________________
૫૦
ભક્તિના વીસ દોહરા સાધનાનો મોકો મળ્યો છે, હવે મારે ક્યાં જવાનું આવ્યું પાછું! એમ દુઃખ થવું જોઈએ, પણ આ જીવને એવું દુઃખ થતું નથી.
નહીં ભજન દેઢ ભાન; આત્માના ભાનપૂર્વક, નિષ્કામ ભાવપૂર્વક જે ભજનભક્તિ થવા જોઈએ તે પણ થતા નથી. ભગવાનના મંદિરમાં જઈને ભક્તિ કરું છું તો છેલ્લે કંઈક માંગીને બહાર નીકળું છું. ભગવાન પાસે કંઈ માંગવાનું હોય જ નહીં. ભગવાનની ભક્તિ કરી અને જે ભાવ કર્યા, તે ભાવથી જે પુણ્ય બંધાયું તેના અનુસાર જે મળવાનું હશે તે મળશે. ભગવાન કંઈ આપવાના નથી. નિષ્કામભાવથી ભક્તિભજન કરવાનું ફળ મહાન છે. સકામ ભાવથી ભક્તિભજન કરવાનું ફળ અલ્પ છે.
સમજ નહીં નિજ ધર્મની, આત્માનો સાચો ધર્મ શું છે એની સાચી સમજણ પણ પ્રભુ મારામાં નથી. આત્મધર્મ શું છે? આત્મધર્મ કોને કહેવાય? હું આત્મા છું અને મારો ધર્મ આ છે એની પણ મને હજુ ખબર નથી. આ તો બધાય ધર્મ કરે છે તો આપણેય ધર્મ કરો. કોઈ કહે કે બાપા, એક બીડી પીવડાવો, તમને ધર્મ થશે. અરે ! પણ બીડી પીવડાવવામાં ધર્મન થાય. એક આ પીવડાવો તો તમને ધર્મ થશે એમ કહે. અરે ! અમનેય કરમ થાય ને તને ય થાય. આ માંગવામાં ને ચા આપવામાં અને બીડી માંગવામાં ને બીડી આપવામાં કરમ થાય, ધરમ ન થાય. ભગવાન પાસે જઈને માગે કે અમને સુખી કરો, તમને ય ધર્મ થશે ! અરે બાપુ! એમને તો ધર્મ પૂરો થઈ ગયો. હવે એમને ક્યાં કરવાનો? ભગવાનને તો હવે ધર્મ કરવાનો છે નહીં, પણ આ અજ્ઞાની જીવ ભગવાનને આશીર્વાદ આપે છે કે તમનેય ધર્મ થશે !! ભગવાનના આશીર્વાદ લેવાના હોય કે આપવાના હોય? તમે તો પ્રભુ! બધાના તારણહાર છો, કરુણાના સાગર છો એમ ભગવાનને કહે. અરે! ભગવાનમાં હવે કરુણા રહી જ નથી, સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ છે. ભગવાનમાં કરુણા છે એ ભગવાનની સ્થિતિ નીચી બતાવવા બરાબર છે. ભગવાનને હવે કરુણા નથી, પૂર્ણ વીતરાગતા છે. કરુણા છે ત્યાં રાગ છે. રાગ છે ત્યાં વીતરાગતા પૂર્ણ નથી. વ્યવહારથી ભક્તિમાં કહેવું એ ઠીક છે, પણ પછી નિશ્ચયથી પણ માની લે ભગવાન કરુણાના સાગર છે, તો હજી તેણે ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી. કંઈ માંગવાનું જ ન હોય. શું માંગવાનું છે? તારે શું જોઈએ છે સુખી થવા?