________________
ત્રણ મંત્રની માળા
સહજાત્મસ્વરૂપ પરમગુરુ. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.
ઉપરોક્ત ત્રણ મંત્રો પરમકૃપાળુદેવ દ્વારા આપણને મળ્યા છે. એમણે પ્રભુશ્રીને આપેલા અને તેમને પણ આજ્ઞા આપેલી કે તમે બધાને આ મંત્ર આપજો. કોઈ અભણ માણસ હોય, કોઈના સમજી શકે એવો હોય કે કોઈ અપંગ હોય, નિરાધાર હોય – ગમે તે જીવ હોય પણ એક મંત્રના આધારે ઘણા જીવો તરીને પાર પામી ગયા છે. એમ કહેવાય છે કે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર પણ પરમકૃપાળુદેવને મહાવીર સ્વામી પરમાત્મા પાસેથી મળેલો અને એ મંત્ર એમણે સાધ્ય કરીને આપણને આપ્યો છે. કોઈપણ મંત્ર, ભક્તિ, સ્વાધ્યાય, તપ, ત્યાગ કે કોઈપણ પ્રકારની સાધના હોય; એ બધા સાધન એક સ્વરૂપસ્થ થવા માટે છે. બધુંય કર્યું પણ જો ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર ના થયો તો બધું કરેલું નિષ્ફળ જાય છે. એટલે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર છે તે ચૌદ પૂર્વનો સાર છે અને ચૌદ પૂર્વની ઘનવટી છે. કોઈ શાસ્ત્ર ભણેલો ના હોય કે બીજી કોઈ આવડત ના હોય, પરંતુ એક આ મંત્રના મર્મને, રહસ્યને સમજી અને જો પદ્ધતિસરની આરાધના કરે તો તે જીવ અવશ્ય આત્મકલ્યાણ સાધી મનુષ્યભવને સફળ કરી પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે એટલી એમાં તાકાત અને બળ રહેલું છે, શ્રદ્ધા જોઈએ. ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ.' પરમગુરુ પાંચ કહેવાય છે. અરિહંત ભગવાન પરમગુરુ છે, સિદ્ધ ભગવાન પરમગુરુ છે, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવાન પણ પરમગુરુ કહેવાય છે.
વંદો પાંચો પરમગુરુ, સુરગુરુ વંદત જાસ, વિઘન હરણ મંગલ કરણ, પૂરણ પરમ પ્રકાશ.
– શ્રી વિનયપાઠ