________________
છ પદનો પત્ર
૫૬૫
વખતે એ જીવને અંતરંગ સાત કર્મોની પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય હોય છે ત્યારે થાય છે. સાત પ્રકૃતિ મંદપણે હોય ત્યારે બને છે. એ વગર બની શકતું નથી. ઉપાદાન કારણ એ આત્માના ઉપયોગને અંતર્મુખતાનો સમ્યક્ પુરુષાર્થ જ્યારે થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
નિશ્ચયથી તો ઉપાદાનનો પુરુષાર્થ એ ઉપયોગનો પુરુષાર્થ છે અને વ્યવહારથી નિમિત્ત તરીકે સાત કર્મોની સ્થિતિનો પણ અનુભાગ ઘટ્યા વગર અંદરમાં કામ થતું નથી. બે’ય પડખાં જોઈએ છે અને આ થાય છે એની સામે પહેલાં દેવ-ગુરુ-ધર્મનું નિમિત્ત પણ હોય છે. કોઈને વર્તમાનમાં હોય, તો કોઈકને આગળનું હોય છે. તો બે પ્રકારે સમ્યગ્દર્શન બતાવ્યા છે - એક અધિગમજ અને બીજું નિસર્ગજ. વર્તમાનમાં બાહ્ય નિમિત્ત વગર સ્વયં થાય છે, એ નિસર્ગજ છે. તો એને પણ પૂર્વમાં એવું નિમિત્ત હતું. અત્યારે પણ નિમિત્ત નથી એવું નથી, અંતરંગ નિમિત્ત તો ચાલુ છે. સાત કર્મોની પ્રકૃતિ અંદરમાં મંદ પડી છે, ઉપશમ થઈ છે ત્યારે આ થયું છે. આવી રીતે ઉપાદાન, અંતરંગ નિમિત્ત અને બાહ્ય નિમિત્ત એ ત્રણેનો સુમેળ છે. એ ત્રણેના સુમેળથી આ પ્રમાણે કાર્ય બને છે.
‘પરથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ.' અઘરું કાંઈ નથી. તો અઘરું લાગે છે કેમ ? આપણે વસ્તુના સ્વરૂપને સાચું સમજ્યા નથી અને સાચો પુરુષાર્થ કરતા નથી. અવળા ખૂબ મથ્યા એટલે થાક્યાં. એટલે એમ થાય કે આપણાથી ના થાય પણ સવળો પુરુષાર્થ થાય તો બે ઘડીમાં થઈ જાય. કોઈ કહે કે હું રોજ છ કલાક ભક્તિ કરું છું. છ કલાક વાંચન કરું છું, છ કલાક તો ધ્યાન કરું છું, પણ પુરુષાર્થ સમ્યક્ ના હોય તો શું કામનું ? પુરુષાર્થ સમ્યક્ જોઈએ. માટે આ આખી પદ્ધતિ જે પરમકૃપાળુદેવે બતાવી છે એ ખૂબ અનુભવના લેવલથી પોતે બતાવી છે, આગમને અનુરૂપ બતાવી છે અને આગળના મહાપુરુષો પાસેથી જે પરંપરાએ મળેલું એ વાત ગુજરાતી ભાષામાં આપણને આપી છે. પદ્ધતિ એમણે આપી, હવે પ્રયોગ આપણે કરવાનો. પ્રયોગવીર થયા વગર કાર્યની સિદ્ધિ નથી થતી.
સમ્યગ્દર્શનનું ફળ વીતરાગતા છે, સંપૂર્ણ મોક્ષ. સમ્યગ્દર્શન વગર કોઈ જીવ મોક્ષ પામ્યા નથી. સમ્યગ્દર્શન થયા પછી જે ચારિત્રમોહને તોડવાનો પુરુષાર્થ ચાલે છે તે સાચો ચાલે છે અને એ ચારિત્રમોહ તૂટ્યા પછી સ્વસ્વભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એ તો આત્માનો સ્વભાવ છે. આત્મા જ મોક્ષ સ્વરૂપ છે. આત્માનો મોક્ષ થાય છે એ કહેવું એ’ય વ્યવહાર છે.