________________
પપપ
છ પદનો પત્ર શ્રદ્ધામાં એક ટકો ઓછું હોય તો ચાલતું નથી. ખરેખર આ છ પદ અને નવતત્ત્વનું જ્ઞાન કરીશ તો મને સમ્યગદર્શન થશે? એમ કોઈપણ પ્રકારની શંકા ન થવી જોઈએ. ભલે અત્યારે આપણી યોગ્યતા નથી, પણ એ કહેનાર પુરુષ ઉપર શ્રદ્ધા રાખવી.
જુઓ ! પોતાની વાત નથી કહેતા. પોતે તો લખ્યું છે, પણ હવાલો ક્યાં નાંખ્યો? પરમપુરુષ ઉપર. પરમપુરુષ કોને કહેવાય? તીર્થકર ભગવાન, કેવળજ્ઞાની પરમાત્મા છે એ પરમપુરુષ છે. જેની દેહાતીત અવસ્થા સંપૂર્ણ વર્તે છે એ પરમપુરુષ છે. તો આ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એટલે સહેજ પણ સંદેહ કરવા જેવી વાત નથી. શાખ પૂરી છે જ્ઞાનીએ અને મૂળ એના પ્રવક્તા છે તીર્થકર ભગવાન. એટલે બેય બાજુથી આપણને પૂર્ણ ખાતરી મળે છે કે આ છ પદ છે. એની જો તમે બરાબર શ્રદ્ધા કરશો તો તમને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં.
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૫ જ્ઞાનીની આજ્ઞા અનુસાર સાધના કરવાની છે.
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગજો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૭ ગમે તે જાતિનો હોય, નાતનો હોય એની જોડે અમારે ભેદ નથી, પણ “કહ્યો માર્ગ જો હોય એનો તો આગ્રહ છે. માર્ગ કહ્યો હોય એનાથી વિપરીત માર્ગ આચરે તો પણ જીવ કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. માટે,
એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. આ છ પદની દેશના સ્વસ્વરૂપની ઓળખાણ થવા માટે છે, બીજું કોઈ પ્રયોજન આમાં છે નહીં. આપણને સ્વસ્વરૂપની ઓળખાણ નથી એટલે પરિભ્રમણ ઊભું થયું છે. સ્વસ્વરૂપની સાચી ઓળખાણ થાય તો આ પરિભ્રમણ સમાપ્ત થાય. એના માટે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે કે જેનાથી સ્વસ્વરૂપની સમજણ આવે, ઓળખાણ થાય, શ્રદ્ધા થાય. જો છ પદ સમજીને સાચો વિવેક અને સમજણ ના આવે તો છ પદનું કંઠસ્થ કરી જવું એ કોઈ કામનું નથી.