________________
ભક્તિના વીસ દોહરા.
૬૫
બધેય રાગ થાય છે પણ આત્મામાં રાગ થતો નથી. એટલે બહિરાત્મા મટી અંતરાત્મા થવા આ વીસ દોહરામાં સમજાવ્યું છે. બહિરાત્મપણું છોડી અને અંતરાત્મપણું પ્રગટ કરવા માટે આ વીસ દોહરાઓમાં બોધ આપ્યો છે. આ બધાય દોષોનું જે વર્ણન કર્યું છે તે આત્માના હિત માટે કરવામાં આવ્યું છે.
મનને આત્માર્થમાં જોડવાના સાધન જેવા કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઈત્યાદિ છે. મન અને વૃત્તિને આત્મામાં લગાડવા માટે આ બધા સાધનો બતાવ્યા છે. જેમ કે, અલ્પ આહાર કરવો. ગમે તેટલું રસાત્મક ભોજન હોય, ભાવતું ભોજન હોય તો પણ વધારે ખાશો તો પેટ વધારે ભરાઈ જશે, હવાની પણ જગ્યા નહીં રહે અને તમને આકુળ-વ્યાકુળ બનાવશે. તમારી સાધના છૂટી જશે. વળી, આપણે તો કોઈ મહેમાન કે કોઈ મુમુક્ષુ આવે તો તેમને ઠાંસી ઠાંસીને ખવડાવીએ. “સાહેબ! આટલું તો લો. સાહેબ ! અમે રોજ ક્યાં ખવડાવીએ છીએ?” “અરે બાપુ ! સાહેબના આત્મા ઉપર તો દયા કરો.” “ના સાહેબ ! છેક ક્યાંથી લાવ્યા છીએ ! કેટલા ભાવથી લાવ્યા છીએ ! અને તમે ના પાડો છો !” હવે એને આત્માના હિતૈષી કહેવા કે શું કહેવું? જુઓ ! અજ્ઞાની જીવોનો રાગ પણ આત્માને નુક્સાનકારક છે. એમને ભાવ થાય એ બરાબર છે, પણ આપણે સાધક છીએ. માટે આપણે જાગૃત રહેવું. અમારા આગ્રહથી એમને શું બાધા આવશે એ વિચારશક્તિ અજ્ઞાની જીવોની કુંઠિત થઈ જાય છે. '
અલ્પ વિહાર - બહુ પ્રવૃત્તિ કરીને શરીરને થકવી દઈએ તો પણ એ શરીર સાધનામાં સહકાર નહીં આપે. એટલે શરીરને બહુ થાક કે પરિશ્રમ લાગે એવા કામ લાંબા સમય સુધી કરવા નહીં. એને પણ થોડું સાધનામાં લગાડવાનું છે એટલે અલ્પ વિહાર કરવો.
અલ્પ નિદ્રા - ચોવીસ કલાકમાં આપણી નિદ્રા છ કલાક હોવી જોઈએ તેના બદલે દશ કલાક નિદ્રા કરીએ છીએ. તો, ચાર કલાક તો બચે એવા છે. પણ જીવ કહે છે કે સાહેબ ! શું કરું ? બહુ કામ કરું છું એટલે થાકી જઉં છું. થાકી જાય તો પણ એક બે કલાકની સળંગ ઊંઘ આવી જાય પછી કંઈ જરૂર પડતી જ નથી. ફ્રેશ થઈ જવાય. સાચા મુનિઓ અંતર્મુહૂર્તથી વધારે સળંગ ઊંઘ લે નહીં. પચીસ કિલોમીટર વિહાર કરે છતાંય એમની ઊંઘ અલ્પ હોય છે. એમને પણ શરીરનો પરિશ્રમ તો થાય છે. આપણે ઘરમાં કરીએ છીએ, એ ચાલીને કરે છે. સાધનામાંય પરિશ્રમ તો થાય જ છે, છતાંય એમની ઊંઘ ઓછી હોય છે. સાધક જીવ દરેક કાર્યમાં જાગૃત રહી પોતાનો કિંમતી સમય આત્મસાધના સિવાય બીજા કોઈ કાર્યમાં ન વેડફાઈ જાય તેની ખૂબ જાગૃતિ રાખે છે. એટલે ગમે ત્યાં એમનો સમય જતો રહ્યો - એ બધું સાધકને ન હોય.