________________
૪૩૧
છ પદનો પત્ર એના ઉપર ચિંતન કરો, મનન કરો. એનું અનુપ્રેક્ષણ કરો. એનું નિદિધ્યાસન કરો. તો ધીમે ધીમે આત્માનો પરિચય વધતો જાય છે, આત્માની ઓળખાણ દઢ થતી જાય છે, આત્માની શ્રદ્ધા મજબૂત થતી જાય છે. આમ, મિથ્યાત્વને તોડતો તોડતો જીવ ગ્રંથિભેદ કરી, સમ્યગદર્શનને પ્રગટ કરી લે છે. આટલું કામ આ શ્રદ્ધા કરે છે. ગાંધીજી પરના પત્રમાં પણ આપણે આ જ વાત જોઈ. તો, આ ભાવો તપાસતા, વિચારતા તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે.
દરેક પદમાં આત્મા રહ્યો છે. આપણે આત્મા સિવાય બીજું છીએ પણ શું? આપણે માત્ર આત્મા જ છીએ. માનીએ તો પણ છીએ અને ના માનીએ તો પણ છીએ. પરમકૃપાળુદેવે તેમની દિકરીને કહ્યું, “બેટા, તું આત્મા છું.” તો તે કહે, “ના, હું કાશી છું.”તો કાશી કહેવાથી થોડી કાશી થઈ જાય છે. આત્મા તો આત્મા જ રહેવાનો છે. તમે નામ પાડો કે ના પાડો. આત્મા ઉપર કોઈ નામ કોતરેલું નથી. એ તો અમૂર્ત છે. એમાં તો કોઈ રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સ્પર્શ કાંઈ છે નહીં. એ તો જે છે તે છે.
अततम् सततम् गच्छति जानति इति आत्मा જે નિરંતર સમયે સમયે જાણવા-જોવાનું કાર્ય કરે છે તે આત્મા છે. વાણી દ્વારા તો તે બાવન અક્ષરથી બહાર છે. ગમે તેટલું લખીએ તો પણ આત્મા લેખન કે વાણીમાં આવે એવો છે જ નહીં.
એક ભાઈ હતા. તે મંદિરમાં રોજ પ્રાર્થના કરવા જાય. મોટેથી ભક્તિ પદો ગાય. દસ - બાર વર્ષનો એક નાનો છોકરો પણ મંદિરમાં આવતો. તેને ભક્તિના કોઈ પદો આવડે નહીં. એ પણ બેસીને ભગવાનની મનમાં ભક્તિ કરે. છોકરાની ભાવપૂર્વકની ભક્તિ હતી. એક સંતપુરુષ ત્યાં આવ્યા. તેમણે જોયું કે આ મૌન બેસે છે છતાં આની ભક્તિમાં જે તાકાત છે, જે ભાવ છે, જે શ્રદ્ધા છે તે પેલા ભાઈમાં નથી. તે ઘણાં ભક્તિપદ ગાય છે પણ આ બાળક જેવી શ્રદ્ધા નથી. તો, આ બાળક શું ભક્તિ કરતો હશે? એમણે બાળકને બોલાવ્યો અને પૂછ્યું કે, બેટા, તું પરમાત્માની ભક્તિના કયા પદો બોલે છે?' તો બાળક કહે કે, “મને કોઈ પદ આવડતા નથી.” તો સંત કહે, ‘ત્યારે તું ભક્તિ શું કરે છે? તું શું બોલે છે ભગવાનની પાસે?” તો બાળક કહે, “હું ભગવાનને એક જ વાત કહું છું કે આ કક્કો બારાખડી શીખ્યો છું. તેમાંથી તમને આવડે તેવી પ્રાર્થના તમે બનાવી લેજો. તમે તો ભગવાન છો.' સંત પ્રસન્ન થઈ ગયા. ભક્તિ શબ્દોમાં નથી, ભક્તિ ભાવમાં છે. શબ્દો એ તો એક બાહ્ય અવલંબન છે. ભાવ હોય ત્યાં શબ્દો ના પણ હોય, અને ગમે તેટલા શબ્દો ઊંચા હોય પણ ભાવ ના હોય તો તે ભક્તિ