________________
ભક્તિના વીસ દોહરા
'ગાથા - ૧૦ ) સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ;
દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. સપુરુષે જે જે આજ્ઞાઓ આપી છે તેની આરાધના એટલે ઉપાસના જીવ કરતો નથી અથવા થતી નથી. શેના કારણે થતી નથી? આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા, વિષયો, આરંભ, પરિગ્રહો – આ બધા નિમિત્તો એવા છે કે જીવને મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ કરવા દેતા નથી. આના કારણે ઉપાસના થતી નથી. સમય મળ્યો તો વિકથા કરે અથવા ટી.વી. જોવા બેસી જાય અને કહે કે સાહેબ! શું થાય હવે, આખો દહાડો કામ કરીએ તો કલાક તો જોઈએ કે નહીં! પણ જ્ઞાની કહે છે કે ટી.વી. નહોતા ત્યારે પણ બધા જીવતા હતા કે નહોતા જીવતા? શું કરું સાહેબ! તમારી સામે જ ફોન આવ્યો, હવે મારે વાત કરવી કે ન કરવી? આખા દિવસમાં જીવને આવા કેટલાય ફોન આવે ને કેટલાય ફોન કરવાના હોય. એના માટે સમય મળે, પણ પોતાના કલ્યાણ માટે સમય ન મળે !
મુમુક્ષુ ટી.વી. બહુ સમય લે છે.. સાહેબ : ટી.વી. સમય લે છે કે તમે ટી.વી.ને સમય આપો છો? મુમુક્ષુ ટી.વી. ચાલુ કરીએ નહીં પણ ચાલુ હોય એટલે બેસી જઈએ.
સાહેબ એનો વાયર પાછળથી કાઢી નાખો. રસ્તા બધાય છે. શું કરવા આપણે બેસીએ? અંદરમાં ગમે છે એટલે બેસીએ છીએ. હજી આપણો અનિશ્ચય છે, અજાગૃતિ છે, પ્રમાદ છે. એટલે આ થાય છે. ભલભલા સાધકો પણ કહે છે કે સાહેબ ! હું સમાચાર માટે જ ટી.વી. રાખું છું. બસ એક સમાચાર જોઈ લઉં એટલે પતી જાય. પણ એ સમાચાર પૂરા થઈને બીજા કંઈક પ્રોગ્રામ આવતા હોય તો એ પણ જોવા બેસી જાય ! એમાં કલાકોના કલાકો નીકળી જાય. મનુષ્યભવનો એક સમય કેટલો કિંમતી છે એનું એને વિસ્મરણ થઈ જાય છે અને જિંદગી આખી આમ ને આમ પર કાર્યો, પર વસ્તુ અને પર ભાવોમાં વહી જાય છે. આત્માનું કલ્યાણ કરવું હોય તેણે ક્યાંય અટકવાનું ન હોય. ગમે તેટલા કામ હોય, ઉદય હોય, નિમિત્ત હોય એ બધાયને આઘાપાછા કરીને એ પોતાનું કામ કરી લે.