________________
છ પદનો પત્ર
મોહનીયનું શહે૨ બહુ મોટું છે. એના ઉપર બોમ્બાર્કીંગ કરવાનું છે. જ્ઞાનીપુરુષો પહેલો હુમલો મોહનીય ઉપર કરે છે. પહેલા તેને કાબૂમાં લો, પછી બાકીના સાત છે એ તો એને અનુસરનારા છે.
૫૩૨
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા -૧૦૨, ૧૦૩
દર્શનમોહનીય એટલે આત્માની ભ્રાંતિ થવી. અનાત્માને આત્મા માનવો અને આત્માનો સમ્યક્ પ્રકારે સ્વીકાર ના કરવો એ આત્માની ભ્રાંતિ. ૪ ૪ ૪ = ૧૬ અને ૯ નોકષાય એ આ ચારિત્ર મોહનીયની ૨૫ પ્રકૃતિ છે. દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ ઉપર પહેલો હુમલો કરવાનો છે. એક મોહનીય કર્મ મંદ પડશે તો બાકીના સાત છે એ કાંઈ ઊભા નહીં રહે. પછી એની તાકાત નથી. કેમ કે, એના આધારે બધા જોર મારે છે. માટે એને ઢીલો પાડો. દેરાસરમાં જાઓ તો કેટલો સમય બેસો છો ? અને ટી.વી. ઉપર કેટલો સમય તમે વીતાવો છો ? જીવ કષાય કરી નુક્સાન ખમવા તૈયાર થાય છે, પણ પતાવટ કરી લાભ લેવાનો એને ‘ભાવ’ આવતો નથી. એટલે મૂકી દો. જતું કરો. એક ભવ છે. પછી આ દેહનું નામોનિશાન નથી. શરીરના પરમાણુ છે એ વિખરાઈ જુદા પડી જવાના છે અને આત્મા એનું ફળ ભોગવવા નરક-નિગોદમાં જશે, જો કષાય થયા તો.
રજકણ તારા રઝળશે, જેમ રઝળતી રેત; હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
પાંચમું પદ : ‘મોક્ષપદ છે’ જે અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.