________________
ત્રણ મંત્રની માળા
૬૩૯
બાંધછોડ નહીં. નહીં તો ધોવે ને રોવે, એના જેવું થાય. આપણે ભવોભવ ભૂલ ખાધી છે આ દેવ-ગુરુ-ધર્મના ખાનામાં. અનંત ભવથી ભૂલ કરતાં આવ્યા છીએ. આ બીજો મંત્ર એટલા માટે આપ્યો કે તમારું ગૃહિત મિથ્યાત્વ જાય. પહેલો મંત્ર એટલા માટે આપ્યો કે તમને તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, સહજાત્મસ્વરૂપનો આશ્રય કરો તો તમને તમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય અને ત્રીજો મંત્ર આપણને આપ્યો -
‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’
આત્મા કેવો છે ?
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી ખરે ! મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
હું એક શાશ્વત, જ્ઞાનદર્શન સ્વરૂપી, સચિદાનંદ સ્વરૂપી આત્મા છું. એ આતમભાવના ભાવતાં એટલે આત્મધ્યાનને ધ્યાવતાં જીવ કેવળજ્ઞાન લહે છે. આતમભાવના ભાવતાં, એ ચારિત્રનો પુરુષાર્થ છે, શુક્લધ્યાનનો પુરુષાર્થ છે અને શુક્લધ્યાનની શ્રેણીમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રણ મંત્રોની એક સાંકળ છે. આતમભાવના ભાવતાં જીવ લહે આતમજ્ઞાન રે અને આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ભાવના ભાવો એટલે વારંવાર તેને સ્મરણમાં લાવો, એનું ચિંતવન કરો, એનું નિદિધ્યાસન કરો, એનું અનુપ્રેક્ષણ કરો, એ ભાવમાં વારંવાર તમારા ઉપયોગને રમાડો તો એ ભાવ પણ તમારા એ મંત્રથી રંગાઈ જશે અને એ રંગાયેલો ભાવ – ઉપયોગ સ્વરૂપની અંદરમાં સ્થિત થઈ જશે. વારંવાર આત્માની ભાવના ભાવો: બહુ ઉત્તમ મંત્ર છે. જેટલા જીવોએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે એ આત્મધ્યાન અને આત્મસમાધિ મારફત જ કરી છે. આત્મભાવના ભાવતાં એટલે આત્મસમાધિ અને આત્મધ્યાનનો, રત્નત્રયના અભેદ પરિણામનો ઉત્કૃષ્ટ પ્રયોગ. બીજું કામ પણ શું કરવાનું છે ? આવ્યા હતા ખાલી હાથે અને જશો પણ ખાલી હાથે. સિકંદરે કહ્યું છે ને કે -
મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો; જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો.