________________
૧૧૫
ભક્તિના વીસ દોહરા કરવા જેવું નથી. એક ભવ પૂરતું મળ્યું છે. કર્મનો ઉદય છે ત્યાં સુધી રહેવાનું છે, કર્મનો ઉદય મટ્યો એટલે નષ્ટ થઈ જાય છે.
મોટા મોટા પહેલવાનો કે જે પોતાની છાતી ઉપર આખી ટ્રક ચલાવડાવે, હાથીનો પગ મૂકાવે એટલા બધા શારીરિક બળવાળા પણ જ્યારે તે પ્રકારના કર્મનો ઉદય સમાપ્ત થાય છે ત્યારે શરીર ઉપર બેઠેલી માખીને પણ ઉડાડી શકતા નથી. ક્યાં ગયું એ બળ? શ્રી કૃષ્ણમહારાજ હજારો સૈનિકોને એક સાથે જીતી લે એટલા બળવાન હતા. કારણ કે, વાસુદેવ હતા. પાટુ મારીને આખા મહેલના મહેલ તોડી નાખે એટલી એમની શક્તિ હતી. પણ જયારે દ્વારકામાં દ્વૈપાયન મુનિએ આગ લગાડી ત્યારે તેમનો મહેલ બળવા માંડ્યો. તેમના મા-બાપ અંદર હતા. તેમને લેવા માટે તેઓ ગયા. ત્યાં આકાશવાણી થઈ કે કોઈ બચશે નહીં. ફક્ત તમે બે ભાઈ બહાર નીકળી જાઓ. મા-બાપને રથમાં બેસાડીને લઈ જવાનો ખૂબ પ્રયત્ન કરે, પણ રથ ખસે જ નહીં. છતાં મા-બાપને સળગતા મહેલમાં મૂકીને નીકળી જવું પડ્યું. કોઈ બળ કામ આવ્યું નહીં. શુભ કર્મનો ઉદય હોય છે ત્યાં સુધી બધું સારું ચાલે છે, જ્યારે વિપરીત કર્મનો ઉદય આવે છે ત્યારે ભલભલાની સ્થિતિ ડાઉન થઈ જાય છે.
તેવી રીતે અજ્ઞાની જીવોને વિદ્યાનો પણ મદ આવે છે. લૌકિક વિદ્યાઓ જેમ કે. કોઈ મોટા ડૉક્ટર થયા હોય, કોઈ બેરિસ્ટર થયા હોય, કોઈ પંડિત થયા હોય, અથવા કોઈ શાસ્ત્રોના જ્ઞાતા હોય કે કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન હોય - જો એ જ્ઞાનનો દુરુપયોગ થાય તો એ બધો મદ છે. જ્ઞાનનો અહંકાર થાય એ જ્ઞાનમદ છે. એ મદ પણ આત્માને પટકી દે છે. આઠ પ્રકારના મદમાંથી કોઈપણ પ્રકારનો મદ હોય તો તે આત્માને નીચેની ભૂમિકામાં લાવી દે છે અને મહાન અશુભ કર્મનો બંધ કરાવે છે. એવી રીતે પૈસાનો અહં તે ધનમદ છે. જીવની પાસે પૈસા આવે છે એટલે તે અંદરમાં પોતાને બહુ ઊંચો માને છે. ઊંચો ચઢી જાય છે, કોઈની સામે પણ જોતો નથી. બધાયને તુચ્છ દૃષ્ટિથી જુએ છે. એને એમ થાય છે કે આ જગતમાં મારા જેવું કોઈ ધનવાન નથી. એ પણ પુણ્યનો ઉદય હોય છે ત્યાં સુધી રહે છે, પછી જ્યારે પુણ્ય જતું રહે છે ત્યારે એ બધા રાજા-મહારાજાઓ પણ ભીખ માંગતા થઈ જાય છે.
નળ સરખો રે રાજીઓ, જેની દમયંતી રાણી;
અડધે વચ્ચે વનમાં ફર્યા, ન મળ્યા અન્નને પાણી. ભલભલાની આવી સ્થિતિ થઈ જાય છે. સત્તાનો પણ એક મદ હોય છે. સત્તાના મદવાળા પણ જ્યાં સુધી હાથમાં સત્તા છે ત્યાં સુધી પ્રજાને દુઃખી દુઃખી કરીને પૈસો ખેંચી લે છે.