________________
૬૬૯
દુર્લભ એવો મનુષ્યદેહ
કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ માયા માન મનોજ મોહમમતા મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ પૈર્યે ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના નીતિ રાય દયા ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના.
– શ્રીમદ્ રાજચંદ્રજી મોટા મોટા જ્ઞાની પુરુષો પણ આવી દશાવાળા મુનિને વંદન કરે છે. જે ન કરે એ અભાગિયો છે અને ખોટાને સાચા માને એ પણ અભાગિયો છે. બંને અભાગિયા છે. જયારે જીવ વિવેક ચૂકી જાય છે અને દૃષ્ટિરાગમાં ઘૂસી જાય છે ત્યારે આવા અનેક દોષો આત્મામાં દાખલ થઈ જાય છે. વિવેકદષ્ટિ ચૂકી જાય અને દષ્ટિરાગ થઈ જાય ત્યારે આવા અનેક પ્રકારના દૂષણો પ્રવેશે છે અને તેની પક્કડ એટલી બધી મજબૂત હોય છે કે એને કોઈપણ જીવ ગમે તેટલું કહે તો પણ એ ફરવાનો નહીં, સમજવાનો નહીં. જેવું જેનું ભવિતવ્ય, પણ તત્ત્વનું બેલેન્સ આપણે ક્યારેય ચૂકવું નહીં અને આગમથી આઘાપાછા થવું નહીં. આગમમાં શું કીધું છે એને આગળ રાખીને વાત કરવી. “શ્રી અષ્ટપાહુડ એ આગમ છે. એમાં શું લખ્યું છે એ એક વખત શાંતિથી વાંચો. પછી વિવેક આવશે કે કોની સાથે કેટલો અને કેવો વ્યવહાર રાખવો. એની ટીકા પણ શ્રી જયચંદજી છાવડાએ બહુ સરસ કરી છે એ વાંચશો તો સ્વયં ખ્યાલ આવશે.
આ બાહ્યાંતર નિગ્રંથ મોક્ષમાર્ગ છે. નિગ્રંથમાર્ગ એટલે મૂળ માર્ગ. મુખ્યપણે મુનિઓનો અને ગૌણપણે આત્મજ્ઞાની શ્રાવકોનો માર્ગ. ગુરુ કેવા હોવા જોઈએ? નિગ્રંથ હોવા જોઈએ. નિગ્રંથ ગુરુ એટલે રત્નત્રયધારી મુનિ. સગ્રંથને નિગ્રંથ માનવા એ પણ તત્ત્વથી વિપરીત દૃષ્ટિ છે. સગ્રંથ એટલે પરિગ્રહધારી. એમને નિગ્રંથ માનવા એ મિથ્યાત્વ છે. અવિરત સમ્યક્દષ્ટિને માત્ર મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ છે, બાકી અનંતાનુબંધી સિવાયના બીજા જે કષાયો છે એ મોજૂદ છે, નોકષાયો મોજૂદ છે, બહારના પરિગ્રહો મોજૂદ છે. એ નિગ્રંથ કોટિમાં આવતા નથી, એ સગ્રંથ કહેવાય છે. આત્મજ્ઞાની શ્રાવક હોય એ પણ સગ્રંથ કહેવાય. નિગ્રંથમાં ફક્ત મુનિ જ આવે.