________________
૩૦૦
ક્ષમાપના
તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. |
કોના પ્રણીત કરેલાં? ભગવાનના, સર્વજ્ઞ, વીતરાગ, તીર્થંકર ભગવાનનું પ્રણીત કરેલું જે ઉત્તમ શીલ. શીલના તો ઘણા બધા પ્રકારો છે. સૂક્ષ્મ તો ચોર્યાશી લાખ ભાંગાઓ છે. થોડા ધૂળમાં અઢાર હજાર ભાંગાઓ છે અને એક શબ્દમાં કહીએ તો ઉપયોગ દ્વારા આત્માના સ્વભાવમાં રહેવું એનું નામ શીલ છે. શીલ એ આત્માનો સ્વભાવ છે, તો આત્માના જેટલા ગુણ છે એ બધા શીલસ્વરૂપ છે. સમ્યગદર્શન પણ શીલસ્વરૂપ છે, સમ્યફજ્ઞાન પણ શીલસ્વરૂપ છે, સમ્યફચારિત્ર પણ શીલસ્વરૂપ છે, અનંતવીર્ય પણ શીલસ્વરૂપ છે. સ્વભાવ પરિણમનની અંદરમાં અનંતગુણોનું સમ્યફ પરિણમન થઈ જાય છે એટલે એનું નામ ઉત્તમશીલ કહેવાય છે. સર્વોત્કૃષ્ટ ઉત્તમ શીલ ચૌદમા ગુણસ્થાનકમાં રહેલા અયોગી કેવળી ભગવાનને હોય છે – ચોર્યાશી લાખ ભાંગાઓ સહિતનું, ત્યાં સુધી ભૂમિકા અનુસાર શીલનું સેવન હોય છે. સાંભળ્યું ઘણી વખત, વિચાર્યું પણ ઘણી વખત, પણ આચરણમાં મૂકવું એ ક્વચિત્ કોઈક જીવને બની જાય છે.
ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું તે, શીલ મેં પાળ્યું નહીં. સ્વરૂપમાં રમણતા તે નિશ્ચય ચારિત્ર અને મહાવ્રત, સમિતિ ગુપ્તિનું પાલન, મૂળગુણોનું પાલન એ વ્યવહાર ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર શુભ આસ્રવરૂપ છે અને નિશ્ચયચારિત્ર નિર્જરારૂપ અને મોક્ષરૂપ છે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણતા. “આત્માની અંદર રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે, એનું નામ શીલ છે. તો બાહ્ય શીલ આપણે અનંતવાર પાળ્યા પણ નિશ્ચયશીલ વગરના બાહ્ય શીલ પણ મોક્ષનું કારણ થતા નથી, સામાન્ય પુણ્યબંધ થાય છે. આવા અનંતા ચારિત્ર મિથ્યાત્વરૂપી પાડો ખાઈ ગયો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી ઉત્તમ શીલ ન હોય. ઉત્તમ ચારિત્ર સમ્યગુદર્શન વગર હોઈ શકે નહીં. ઉત્તમ શીલનું સેવન સમ્યગદર્શન વગર હોઈ શકે નહીં. વ્યવહાર શીલનું પાલન કરે એ કોઈ અપેક્ષાએ ઠીક છે. વીતરાગભાવ એ પણ શીલ છે, શુદ્ધોપયોગ એ પણ શીલ છે.
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે.
– શ્રી પ્રવચનસાર - ગાથા - ૭