________________
૩૦૭
ક્ષમાપના
દયા છે. વ્યવહારદયા પણ નિશ્ચયથી હિંસા છે. આવું સાંભળીને ગભરાવું નહીં. પણ તત્ત્વ બરાબર સમજવું. કેમ કે, વ્યવહારદયા થાય ત્યારે સ્વદયામાંથી ઉપયોગ નીકળી ગયો. માટે નિશ્ચયથી તો હિંસા થઈ ગઈ પણ બહારમાં કોઈ જીવ બચ્યા તે વ્યવહારમાં અહિંસા ગણાય. વ્યવહાર અહિંસા તે પુણ્યનો આસ્રવ છે. પાંજરાપોળવાળા આ સમજે તો લાઈનમાં આવી જાય! અઘરું છે પ્રભુ ! આ તો ભગવાનના તત્ત્વને નિશ્ચય – વ્યવહારના પડખાથી; હેય, શેય અને ઉપાદેયના વિવેકથી સમજવું એ કોઈક વિરલા જીવોનું કામ છે, બધાનું કામ નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૮
ચોર્યાશી લાખ યોનિના જીવોને સૂક્ષ્મતાથી અભયદાન આપવું એ પણ એક અનુકંપાનો ભાવ છે અને તે જરૂરી છે. કેમ કે, તત્ત્વજ્ઞાની જીવને વ્યવહા૨દયા તે નિશ્ચયદયાનું કારણ થાય છે. આપણા હૃદયમાં અનુકંપા હોવી જોઈએ. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા - આ પાંચ સભ્યષ્ટિના લક્ષણ છે. અનુકંપા એટલે દયા. કોઈપણ દુઃખી જીવના દુઃખને જોઈ અનુકંપા પામવી. આપણને લાગતું-વળગતું ન હોય એવા જીવને પણ દુઃખી જોઈને આપણને અંદરમાં અનુકંપાનો ભાવ થવો જોઈએ. જોકે, એના કર્મના ઉદયના કારણે એને દુઃખ મળ્યું છે અને એમાં કોઈ આઘુંપાછું કરી શકવાનું નથી. છતાંય, જ્ઞાનીનું હૃદય બીજાના દુઃખોને જોઈને દ્રવિત થાય છે. જ્ઞાનીઓ સમજે છે કે ઉદયમાં ભગવાન પણ ફેરફાર કરી શકવાના નથી, તો હું તો શું કરી શકું ? બહારમાં બધા પ્રયત્ન કરે છે, છતાં ઘણીવાર સામેનો જીવ દુઃખમાંથી નથી છૂટી શકતો. આપણે જીવદયા અર્થે એક લાખ રૂપિયા લઈને ઘેટાં-બકરાં છોડાવવા ગયા. તેમાંથી જેટલાં છૂટી શક્યા તેટલા છૂટ્યા, પણ બધા નથી છૂટી શકતા, પણ બધા છૂટે એવી ભાવના તો તમે રાખી છે કે જો પૈસા વધારે હોય તો આ બધાયને હું છોડાવી લઉં, એકેયને મરવા ન દઉં, એકેયને કતલખાને ન જવા દઉં. તો ભલે પૈસા નથી એટલે છોડાવ્યા નથી, પણ દયાનો ભાવ - અહિંસાનો ભાવ તમને લાભકર્તા છે. કાર્ય થાય તો જ લાભ થાય એવું નહીં, પણ કાર્ય કરવાના ભાવ થવા એ પણ લાભનું કારણ છે.
સ્વયંભૂરમણ સમુદ્રમાં ત્રણ હજાર માઈલની અવગાહનાવાળા મત્સ્ય હોય છે. પાણી પીતી વખતે તેના મોંમાંથી ઘણા નાના નાના મત્સ્ય બહાર નીકળી જાય છે. તે જોઈને તાંદુલ મત્સ્ય ફક્ત ભાવના જ કરે છે કે હું હોઉં તો એકેયને જવા ન દઉં. હવે તે કોઈને મારતો નથી કે