________________
ભક્તિના વીસ દોહરા
ધારો કે, તમારે અહીંથી મુંબઈ ૧૦ વાગ્યાની ટ્રેનમાં જવાનું છે અને તે જ સમયે તમને બધા મળવા આવ્યા, ટી.વી.માં ય સરસ કાર્યક્રમ ચાલે છે અને બીજા ઘણા અગત્યના કામ બાકી છે, પણ તમે પોણા દશ વાગ્યે સ્ટેશન પહોંચો કે ન પહોંચો ? પહોંચવું જ પડે. ન પહોંચો તો શું થાય ? ગાડી ઉપડી જાય. એક દશ વાગ્યાની ગાડી ઉપડી જાય તેની ફિકરમાં ય તમે બધા કામ છોડો છો, પણ મોક્ષની ગાડી ઉપડી જશે એની ફિકરમાં તમે સંસારના કામ છોડતા નથી ! તો હવે તમને મુમુક્ષુ કહેવા કે શું કહેવા ?
૬૨
આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ આપણને પુરુષાર્થ કરવા દેતા નથી. ઈન્દ્રિયોના ભોગો માટે બધુંય પ્રવર્તન થાય છે. ટી.વી. છે એ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આવી ગયું કે નહીં? એ નેત્ર ઈન્દ્રિયનો વિષય છે અને ફિલ્મના ગાયન સાંભળો કે લગ્નનાં ગાણા સાંભળો એ બધા કર્ણેન્દ્રિયના વિષય છે. અને ભોજન આદિ ક્રિયાઓમાં જે સમય કાઢો છો તે રસના ઈન્દ્રિયનો વિષય છે. ઠંડી-ગરમીનો સ્પર્શ તે સ્પર્શેન્દ્રિયનો વિષય છે. આ દરેક ઈન્દ્રિયને આધીન થઈને અજ્ઞાની જીવ વર્તે છે: ખાવું - પીવું - હરવું – ફરવું - ન્હાવું – ધોવું – ઊંઘવું - જોવું - સાંભળવું વગેરે દેહ ને ઈન્દ્રિયના કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. કેટલું માર્મિક લખ્યું છે બ્રહ્મચારીજીએ ! કે ખાવા-પીવામાં જ બધો ટાઈમ જતો રહે છે. આ બનાવો ને પેલું બનાવો ને તે પણ પાછું ચાર ચાર બનાવો. વળી, મહેમાન આવે એટલે પાછો ચ્હા ને નાસ્તો બનાવો ને એ વધે એટલે પાછું આપણે ખાવાનું, ભૂખ ના હોય તો પાછું રાત્રે ખાય. હરવા-ફરવા, નાટક-સિનેમા, ન્હાવું-ધોવું વગેરેમાં કેટલો સમય જાય છે તે જુઓ ! શરી૨ પ૨ બે ડબલા પાણી નાખીને બહાર નીકળી જાવ. પણ આ તો જાણે ભેંસ પાણીમાં પડી હોય એમ ચાર કલાકે નીકળે નહીં. ઊંઘવામાં ય ઘણો સમય જતો રહે છે. મનુષ્યભવમાં એના માટે આવ્યા છીએ ? ઠીક છે કે કોઈ વખત તબિયત સારી ન હોય, અશક્તિ હોય, એવા કોઈ ખાસ કારણો હોય, ઉજાગરા થયા હોય તો સૂવાની જરૂર પડે, પણ રોજની ટેવ ખોટી છે. જોવું-સૂંઘવું-સાંભળવું – આ બધા બાહ્ય કાર્યોમાં જ મોટાભાગના મનુષ્યોનો સમય વ્યતીત થઈ જાય છે, કેમકે એમાં રુચિ છે પણ ધર્મમાં એને રુચિ નથી. જેને ધર્મમાં રુચિ છે એ આઠ-દશ કલાક એમાં કાઢે છે.
જેને આત્માના હિતમાં રુચિ છે તે આઠ-દશ કલાક ગમે તેમ કરીને આત્મા માટે કાઢી શકે છે. ફર્સ્ટ પ્રાયોરીટી કોને આપવી એ જીવની યોગ્યતાને આધીન છે. આ બધા કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી.