________________
છ પદનો પત્ર
દાસત્વભાવ આવ્યા વગર જ્ઞાન અહંકારના માર્ગે ખેંચી જાય છે. તેને હંમેશાં એવું જ રહ્યા કરે છે કે હું જાણું છું, હું સમજું છું, મેં સાંભળ્યું છે, આ તો મેં ઘણીવાર વાંચ્યું છે. ભક્તિથી આર્દ્રતા આવે છે, વિનય આવે છે, સમર્પણતા આવે છે. અહંકાર, સ્વચ્છંદ વગેરે દોષ નીકળી જાય છે. એક ભક્તિના આધારે અનેક ગુણો તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તો, ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાનીપુરુષના ચરણકમળમાં રહીને ભક્તિ થાય તો જ્ઞાનીપુરુષનો બોધ તેને સમ્યપ્રકારે પરિણમન થઈને આત્મજ્ઞાન થવામાં નિમિત્તભૂત થાય. જુઓ ! જેને જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે બધાંય જ્ઞાનીઓએ સન્દેવ-ગુરુ-ધર્મની ભક્તિ ઉત્કૃષ્ટ ભાવથી, નિષ્કામભાવથી કરી છે. સકામ ભક્તિ જુદી વસ્તુ છે. એમાં કંઈક માંગણી છે, બાર્ટર સિસ્ટમ છે કે હું આ કરું તો મને પછી આ મળે. તે પછી કોઈ ભૌતિક પદાર્થની ઇચ્છાથી કરતા હોય, તો કોઈ મોક્ષની ઇચ્છાથી કરતા હોય, પણ અહીં તો નિષ્કામભાવ, કોઈ નહીં, જ્ઞાનીપુરુષમાં પ્રેમાર્પણતા, કોઈ ઇચ્છા નહીં.
૫૯૮
જ્યાં કંઈક ઇચ્છા ઉભવિત થાય છે ત્યાં ભક્તિમાં એટલી ન્યૂનતા બની જાય છે. માંગણીના કારણે પરિણામોની જે વિશુદ્ધતા થવી જોઈએ તે અટકી જાય છે. માટે કોઈ માંગણી નહીં ! જે ભક્તિ કરે છે તેનું ચિત્ત એટલું નિર્મળ અને ભાવ એટલા પવિત્ર થઈ જાય છે કે એ ભાવ દ્વારા તેનું કલ્યાણ થાય છે. કલ્યાણ તો ભાવ દ્વારા થાય છે. તો ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ થાય છે અને સમ્યજ્ઞાન મોક્ષનું કારણ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહિ.
ગંગાસતી, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તો થઈ ગયા. સાંબરકાંઠામાં હમણાં રામજી બાપા થઈ ગયા, જેઓ સારા ભક્ત અને સંત હતા. જેસીંગબાપા એમના શિષ્ય હતા તે પણ ભક્તાત્મા હતા. આ જેસીંગબાપાને વાંચતા કે લખતા ના આવડે. સાવ સરળ અને સાદાસીધા હતા. કેવા સાદાસીધા ? કે ચૌદ-પંદર વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. તો સવારે ઘરમાં એમના મા-બાપને પૂછ્યું કે આ લગ્ન એટલે શું ? લગ્નની એમને ખબર નહોતી. પરણીને આવ્યા એટલે લોકો કહે કે આ જેસીંગભાઈ પરણી ગયા. તો તેઓ કહે કે હું તો એવો ને એવો જ છું. હું ક્યાં પરણ્યો છું ? કેટલા ભોળા હશે વિચાર કરો ! એક ભક્તિના પ્રતાપે એવા જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. અંગૂઠાછાપમાં સમર્પણતા ઘણી હોય છે અને જે ભણેલોગણેલો હોંશિયાર છે તે પ્રથમ શરત કરે છે કે જો સમકિત પ્રાપ્ત થાય એવું હોય તો તમારે ત્યાં આવું,