________________
છ પદનો પત્ર
૪૩૬
તેમણે ખાદીના કપડાં પહેર્યા હશે, થોડા શ્યામ સરખા છે, માથાના વાળ બહુ ટૂંકા રાખે છે અને આટલી એમની હાઈટ છે. ત્યારે આ બધા લક્ષણોથી તમે મને ઓળખી લેશો અને સાક્ષાત્ મેળાપ થશે. આમ, લક્ષણો મેળાપ થવામાં નિમિત્તભૂત થાય છે. તે જ રીતે આત્માના લક્ષણો આત્માને મેળવવામાં નિમિત્તભૂત થાય છે. માટે લક્ષણોનું માહાત્મ્ય ઘણું છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ
કહે છે,
એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જયમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે, જે જાણનારો તે જ હું; બાકી બધા જે ભાવ, તે સહુ મુજ થકી પર જાણવું.
—
શ્રી સમયસાર - ગાથા - ૨૯૬, ૨૯૯
આત્માને કેમ પકડાય ? આત્મા કેવી રીતે હાથમાં આવે ? તો, ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞા એટલે શું ? ભેદવિજ્ઞાન યુક્ત ઉપયોગ. લક્ષણ દ્વારા જે જુદું પાડતું હોય, જડ-ચેતનનો જે વિવેક કરતું હોય તેને પ્રજ્ઞા કહેવાય. જડ-ચેતનનો વિવેક ક્યારે થાય ? તો બંનેના લક્ષણ જોવાય ત્યારે કે જડમાં મુખ્યપણે પુદ્ગલ છે અને રૂપ, રસ, ગંધ, શબ્દ, વર્ણ, સ્પર્શ આ બધા તેના લક્ષણ છે. જ્ઞાન, દર્શન, આનંદ એ ચેતનનું લક્ષણ છે. માટે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જ્યાં જ્યાં આનંદ ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સ્પર્શ ત્યાં ત્યાં જડ, આત્મા નહીં. તો આ લક્ષણ દ્વારા આપણે ભેદવિજ્ઞાનયુક્ત ઉપયોગમાં આત્માને જુદો પાડી શકીએ છીએ અને પડે છે. પહેલાં સ્થૂળ ભેદવિજ્ઞાન આવે છે કે આ દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારાં નથી. એ સ્થૂળ ભેદવિજ્ઞાન છે. પછી કર્મોથી પણ હું જુદો છું એ એના કરતાં પણ સૂક્ષ્મ ભેદવિજ્ઞાન છે. પછી કર્મોના નિમિત્તથી થતા શુભાશુભ ભાવોથી પણ હું ભિન્ન છું, એ બધાયનો હું જાણનાર છું. એમ કરતાં કરતાં ઉપયોગ જાણનાર બાજુ વળે અને જાણનારને નિર્વિકલ્પ ઉપયોગમાં પકડે તેનું નામ સમ્યગ્દર્શન. અહીં સુધી આપણે ઉપયોગને પહોંચાડવાનો છે. તેના માટે પ્રથમ પદ આત્મા છે તેનો સ્વીકાર કરવાનો છે.
પરમકૃપાળુદેવે કહ્યું છે કે, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. વ્યવહાર અને નિશ્ચય – બંનેથી સમજવાનું છે. વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં છે; પણ નિશ્ચયથી દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં નથી. પણ, ઘરે જઈને એમ ના કહેતા કે વ્યવહારથી હું તમારો છું, નિશ્ચયથી નથી. નહીં