________________
૩૮૮
ક્ષમાપના. કેવળજ્ઞાન પ્રગટ થયું એને પરમાત્મા કહેવાય છે. એ અપેક્ષાએ ભેદ છે. સ્વરૂપદષ્ટિથી કોઈ ભેદ નથી. કર્મને લઈને ભેદ છે. માટે જ કહ્યું છે,
કર્મ બાપડે કૌન, ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. જેમ, અગ્નિ લોઢાનો સંગ કરે છે તો માર પડે છે, તેમ જીવ પરનો સંગ કરે છે એટલે માર ખાય છે. લુહારને અગ્નિને મારવો નથી, પણ એને માર્યા વગર લોઢું ટીપાય એવું નથી. એટલે એને મારવું પડે છે.
- જિનપદ નિજપદ એકતા. જિનનું સ્વરૂપ, આપણું સ્વરૂપ અને જીવમાત્રનું સ્વરૂપ એકસરખું છે. કોઈમાં એક ગુણ પણ કિંચિત્ ઓછો કે વધારે નથી. કોઈના અસંખ્યાત પ્રદેશોમાંથી એક પ્રદેશ ઓછો કે વધારે નથી. સંપૂર્ણ સમાનતા છે. જે ભેદ છે તે અવસ્થામાં છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આમ, ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાક્યમાં પરમકૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે. અને તે,
કર વિચાર તો પામ.
–શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૭ એટલે સ્વરૂપદષ્ટિ કર તો પામ. કર વિચાર તો પામ એટલે? વિચાર છોડ હવે. જ્યાં સુધી તું વિચારમાં છે ત્યાં સુધી તું મનોભૂમિકામાં છે, પણ જ્યારે ઉપયોગ મનાતીત થઈ સ્વરૂપસ્થ થશે તો પામીશ. આત્મા તો સર્વાતીત છે – દેહાતીત છે, વચનાતીત છે, મનાતીત છે. બધાય દ્રવ્યોથી ન્યારો છે, બધાયથી જુદો છે, ત્રિકાળ એકાકી છે. સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છે. આત્માના સ્વરૂપની વાત ચાલે છે. આવું સ્વરૂપ ઉપયોગમાં પકડાય અને આવી સ્વરૂપદષ્ટિ થાય તો હવે તેને જગતના તમામ પદાર્થો ફિક્કા લાગશે. જેણે ગિરની ગાયનું કે ભેંસનું દૂધ પીધું હોય તેને મ્યુનિસિપાલિટીના દૂધ ફિક્કા લાગે. તો સ્વરૂપની દૃષ્ટિ કે સ્વરૂપનો આશ્રય એ ગિરની ગાયનું કે ભેંસનું દૂધ છે. તેની દૃષ્ટિ જેણે કરી એને હવે ભક્તિ ફિક્કી લાગે, શાસ્ત્રના સ્વાધ્યાય ફિક્કા લાગે, માળા ફેરવવી પણ ફિક્કી લાગે અને ઉપયોગને બહિર્મુખ કરીને કરવાની ધર્મની અન્ય ક્રિયાઓ પણ ફિક્કી લાગે. તમે પેડો ખાવ પછી ચા ફિક્કી લાગશે, તેમ તમે આત્માનો પેંડો ચાખો તો જગતના તમામ પદાર્થો ફિક્કા લાગશે. બસ, આ એનું બેરોમીટર છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી.