________________
૫૪૧
છ પદનો પત્ર
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ.
તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ. ૮ સમ્યગદર્શન અને સમ્યકજ્ઞાનપૂર્વકનો જે સ્થિર, શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે, જેને સંયમ કહેવામાં આવે છે, જેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે અથવા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. જ્યાં આગળ રાગ-દ્વેષના ભાવ નથી અને પરમ સમતાયુક્ત પરિણામ છે ત્યાં ચારિત્ર છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે,
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહ ક્ષોભવિહીન નિજ પરિણામ છે.
– શ્રી પ્રવચનસાર -ગાથા - ૭ મોહ, લોભ વિહીન નિજ પરિણામને સમતા એટલે ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર એટલે શું? સમાધિને ચારિત્ર કહેવામાં આવે છે. એ સમાધિ ક્યારે થાય?
વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૨૪ ચારિત્રમાં કેટલી વાત આવી? વિષયની અને આરંભ-પરિગ્રહની નિવૃત્તિ એ ચારિત્ર છે અને રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય, ત્યાં કષાયની નિવૃત્તિ આવી. એટલે વિષય અને કષાય રહિત સમ્યગ્ગદર્શન અને જ્ઞાન સહિતના પરિણામને ચારિત્રના પરિણામ, સંયમના પરિણામ કહેવામાં આવે છે. ચારિત્ર એટલે બહારમાં વેશપરિવર્તન કરવો કે કપડાં કાઢી નાંખવા. તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. નિશ્ચય ચારિત્ર એટલે અંદરમાં રાગ, દ્વેષ અને અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન ના થવા દેવા અને પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરપણે ટકવું.
શુદ્ધ ચારિત્ર છે ત્યાં સાક્ષાત્, અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા ચાલે છે. આવું ચારિત્ર જેને અંદરમાં છે તેને બહારમાં પણ તેને અનુરૂપ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત ચારિત્ર હોય છે. એ બંનેનો નિમિત્ત -નૈમિત્તિક સંબંધ છે. લાડવા બનાવતાં બનાવતાં કે ખાતાં ખાતાં શ્રેણી માંડી દે એવું ના બને. શુદ્ધ ઉપયોગમાં ચડતાં ચડતાં એ શ્રેણી માંડે છે, એમ ને એમ આવી જતી નથી. “મૂળમાર્ગ રહસ્ય'માં પરમકૃપાળુદેવ કહે છે,