________________
૪૦૬
ક્ષમાપના
હે ભગવાન! આપ સર્વજ્ઞ છો, તેથી બધું જાણો છો. મારા સત્તામાં રહેલાં કર્મને પણ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહું? મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવા ન બંધાય એવી સમતા, ક્ષમા, ધીરજ રહે એમ ઇચ્છું છું. હે ભગવાન! તમને હું વધારે શું કહ્યું? આપના જ્ઞાનમાં તો બધુંય છે. આપના જ્ઞાનમાં શું ન હોય? સમયે સમયે આખી દુનિયાના બધાય જીવો જે ભાવ કરે તે બધા આપના જ્ઞાનમાં હોય છે, પરંતુ આપ એમાં લક્ષ દેતાં નથી. હવે મને મારી ભૂલો ઉપર, દોષો ઉપર પશ્ચાત્તાપ થયો છે. સાચો પશ્ચાત્તાપ થાય એ જ મોક્ષનું, મોક્ષમાર્ગનું અદ્વિતીય કારણ છે. સાચા પશ્ચાત્તાપથી જીવ પાપથી પાછો ફર્યા વગર રહે નહીં. આત્માના હિત સિવાયના જે કાંઈ સારા કે નરસા કાર્યો કર્યા હોય, એ બધાયનો પશ્ચાત્તાપ છે. હું અલ્પજ્ઞ છું, તમે સર્વજ્ઞ છો. ભાવકર્મથી દ્રવ્યકર્મ બાંધ્યા હતા, એ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો ક્ષય થાય.
भावकर्म निरोधेन, द्रव्यकर्म निरोधेनम् ।
द्रव्यकर्म निरोधेन, संसारस्य निरोधनम् ॥ ભાવકર્મનો વિરોધ કરવાથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે અને દ્રવ્યકર્મનો વિરોધ થવાથી સંસારનો નિરોધ થાય છે. મારા કર્મજન્ય પાપ ક્ષય થાય અને ફરી તેવા ન બંધાય એવી મને સમતા રહે, ક્ષમા રહે અને ધીરજ રહે. સમતામાં બધાય ગુણો આવી જાય છે.
સુખ કી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૭ ઉદાસીનતા એટલે સમતા, વીતરાગભાવ, ક્ષમા.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ | ક્ષમા એ વીરોનું આભૂષણ છે. પૃથ્વી જેવી ક્ષમા અને ધીરજ રહે એ એક મોટો ગુણ છે. દરેક કામમાં ઉતાવળ, બોલવામાં ય ઉતાવળ ને ખાવામાં ય ઉતાવળ હોય, ચાલવામાં ય ઉતાવળ, ધર્મ કરવામાં ય ઉતાવળ, સામાયિક કરવામાં ય ઉતાવળ, સાંભળવામાં ય ઉતાવળ. અહીં સાંભળતાં સાંભળતાં જોયું કે સમય થઈ ગયો છે. એટલે ઉઠીને રવાના. ધીરજ રાખ, પ્રભુ ! કાને બે શબ્દ વધારે પડશે તો લાભ છે. બહારના બે હોર્ન સંભળાશે તો નુક્સાન છે.
મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવર્તવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે. તો આ પ્રમાણે ક્ષમાપનાનો પાઠ સમાપ્ત થાય છે.
ઉૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ