________________
૫૮૬
છ પદનો પત્ર
ષટપદનાં ષટપ્રશ્ન તે, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૬
-
ગાંધીજીએ એક પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં પરમપાળુદેવે કહ્યું છે કે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગણવી. વિચારે બધાય, પણ સિદ્ધ કરનારા કોઈક વિરલા હોય છે. વિચાર તો ઘણાં કરતાં હોય છે. પણ, સિદ્ધ કરવા માટે અંદરમાં ઘણી યોગ્યતા, પાત્રતા, આજ્ઞાંકિતપણું અને સત્પુરુષની નિશ્રા જરૂરી છે, એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરીને અભ્યાસ કરવા યોગ્ય છે. આ છ પદ ઉપર ખૂબ સૂક્ષ્મ ચિંતન, મનન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષણ અને પરાવર્તન છ પદના માધ્યમ દ્વારા અંદરમાં ચાલતું જાય છે. એ જીવ અંદ૨માં વિવેકપૂર્વક સૂક્ષ્મ ભેદજ્ઞાન કરતો જાય છે, છેક આત્માની જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસત્તા છે ત્યાં સુધી તેનો ઉપયોગ પહોંચે છે. વચ્ચે શરીર છે, કર્મ છે અનેક વિભાવો છે એને પણે વેધી અંદરમાં જાય છે. ત્યારે અંદરમાં એના મહાપ્રભુ, ચૈતન્યપ્રભુ બેઠાં છે, તેનાં એને દર્શન થાય છે.
આ છ પદ ગોખી જવા કે બોલી જવા માટે નથી. આ છ પદ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે છે. આ વાત જિન પરમાત્માએ કહી છે, નિરૂપણ કરી છે. જે નિરૂપણ મુમુક્ષુએ વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. આ છ પદનો અભ્યાસ કરો. સર્વ પડખાથી એનો વિચાર કરો. કાર્ય તો એક જ સિદ્ધ કરવાનું છે. આત્માનો ચૈતન્ય સ્વભાવ કે હું આ છું. એવું સ્વસંવેદનમાં આવવું જોઈએ. આ વિચાર કરવાની યોગ્યતા દરેક સંસારી જીવોમાં નથી હોતી. કોઈ વિશિષ્ટ આત્મસાધક જીવો હોય છે, વૈરાગ્યવાન જીવો હોય છે, સત્પુરુષના આશ્રયવાન જીવો હોય છે અથવા કોઈ પૂર્વના આરાધક જીવો હોય છે એ જીવો આના ઉપર સૂક્ષ્મતાથી વિચાર કરી, અને એના આધાર દ્વારા પોતાનું કાર્ય, પોતાની અંદ૨માં, પોતાના દ્વારા, પોતાના માટે, પોતે સાધી લે છે.
મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. પૂર્વના એવા કોઈ સત્સમાગમ સેવ્યા હોય, જ્ઞાનીનો બોધ સાંભળ્યો હોય, અભ્યાસ કર્યો હોય, સાધના કરી હોય તો તેને આ છ પદની શ્રદ્ધા સહજપણે થઈ જાય છે.