________________
છ પદનો પત્ર
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે ૫રમાર્થથી, પણ નિજભાને તેમ.
-
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૬
‘નિજભાને’ એટલે તેવી દશાએ, તેવી દશા વગર નહીં. પોતાના સ્વરૂપના બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન-દર્શન અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે. ૫રમાર્થ દૃષ્ટિથી નિજભાવ એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્ર, તેનો કર્તા અને ભોક્તા છે.
४७७
વ્યવહારથી જે કર્મનો કર્તા કહ્યો છે તે અજ્ઞાનદશામાં છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે અને તે ભાવના ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત્ ઘટ-પટ આદિ પદાર્થોનો નિમિત્તપણે કર્તા છે. અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થના મૂળ દ્રવ્યોનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવા રૂપ ક્રિયાનો કર્તા છે.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૮
અજ્ઞાનદશામાં ક્રોધાદિભાવ થાય છે. જીવને કાં તો જ્ઞાનભાવ થાય કાં તો અજ્ઞાનભાવ થાય. કેમ કે, કોઈપણ આત્મા એક સમય પણ ભાવ વગરનો રહી શકતો નથી. નહીં તો તેની ચેતનતા નષ્ટ થઈ જાય અને તે જડ થઈ જાય. અજ્ઞાનભાવમાં ક્રોધાદિભાવનો કર્તા થાય છે. એટલે ક્રોધની સાથે એકત્વપણું કરે છે. ક્રોધાદિ ભાવને પોતાના માને છે. એટલે તેને ક્રોધાદિનો બંધ થાય છે.
જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કરમનો થાય છે; સહુ સર્વદર્શી એ રીતે, બંધન કહે છે જીવને.
-
શ્રી સમયસાર - ગાથા - ૭૦
ક્રોધાદિમાં એટલે અજ્ઞાન દશામાં, ક્રોધભાવ સાથે એકત્વપણું કરે છે ત્યારે તે કર્મનો કર્તા એટલે કર્મનો આસ્રવ અને બંધ થાય છે. જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે તેના ફળનું વેદન પણ આવે છે. કારણ કે, વેદનશક્તિ તેનામાં છે. એટલે તેના ફળનું ભોક્તાપણું પણ તેને થાય છે. માટે આ જે ભાવો છે એ ભાવો અજ્ઞાનદશામાં થાય છે. ક્રોધાદિ ભાવ તે મોહનીય કર્મના ઉદયને આધીન થવાથી થાય છે. અજ્ઞાનદશામાં દર્શનમોહ અને ચારિત્રમોહ બંને છે.