________________
૬૬૪
દુર્લભ એવો મનુષ્યદેહ શરણું હોય છે. જેમનું સમાધિમરણ - ઉત્તમ મરણ થાય છે તેમને બહારમાં દેવ-ગુરુ-ધર્મનું શરણું હોય છે, નવકારમંત્ર કે એવા ઉત્તમ મંત્રોનું શરણું હોય છે. સ્મરણ હોય છે અને આત્માનું બળ જો વધી જાય તો તે પોતાના આત્માનું શરણું લઈને દેહત્યાગ કરે છે. જેવી જેની ભૂમિકા, યોગ્યતા.
જો આશ્રયપૂર્વક દેહ છૂટે એટલે કે આત્માના ભાનપૂર્વક દેહ છૂટે તો જીવ તે જ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, અખંડપણે કેવળજ્ઞાન પ્રગટ કરે. કેમ કે, આત્મજ્ઞાન એ કેવળજ્ઞાનનું બીજ છે. આત્મજ્ઞાન પામ્યો એ વહેલો કે મોડો નિયમથી કેવળજ્ઞાન પામવાનો છે. આ કાળમાં કામ કરનારા જીવો તો થોડાક કાળમાં જ આ સંસારમાંથી નીકળી જાય છે. કેમ કે, ઘણો પ્રયત્ન - પુરુષાર્થ થાય ત્યારે આ કાળમાં આત્માનુભૂતિ શક્ય બને છે. જીવની ઘણી યોગ્યતા જોઈએ છે. પૂર્વનું આરાધન પણ જોઈએ છે તથા વર્તમાનનો પુરુષાર્થ પણ જોઈએ છે તેમજ વીતરાગીદેવ-નિગ્રંથ ગુરુ-એમનો પ્રરૂપેલો ધર્મ અને સાસ્ત્રનો પણ આશ્રય જોઈએ છે અને જરૂરી છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી એ જ સાધના છે. મૂળ સાધના - નિશ્ચય સાધના તો આટલી જ છે. બધાય વ્યવહાર સાધન સ્વસ્થિતિ થવાની પ્રેરણા માટે છે. ત્યાગ હોય, તપ હોય, શાસ્ત્રજ્ઞાન હોય, ભક્તિ હોય, ધર્મની કોઈ ક્રિયાઓ હોય, પ્રતિક્રમણ હોય, સામાયિક હોય - એ વ્યવહાર સાધના છે. એનું ધ્યેય, એનું લક્ષ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવી તે છે. એ સાધના કરતાં કરતાં સ્વરૂપમાં સ્થિતિ કરે તો તેનું બાહ્ય સાધન સફળતામાં નિમિત્ત કહેવાય. નહીં તો નિમિત્ત પણ કહેવાતું નથી.
તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત્ત ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશો, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી.
બ્રહ્મચર્ય, પરિગ્રહનો ત્યાગ – આ બધા આત્મહિત સાધવા માટે બળવાન સાધનો છે. આપણને સંસારમાં આરંભ-પરિગ્રહ કરવો પડે છે અને કરીએ છીએ પણ એ અનર્થના હેતુ તો છે. જ્ઞાની પણ કરે છે, પરંતુ તેઓ જાગૃતિપૂર્વક કરે છે, તાદાત્મ થતા નથી એટલે એમને અલ્પ બંધ પડે છે. જેટલા અંતરંગ કષાયનો અભાવ હોય એટલો બંધ મોળો પડે છે.
બ્રહ્મચર્ય અને યથાશક્તિ પરિગ્રહ પરિમાણ કરવાની ખુશાલદાસની સંભાવના દેખાય, યોગ્યતા દેખાય, તેમના એવા ભાવ હોય, તેમને એ લેવાની ઇચ્છા હોય, તો પછી મુનિઓએ તેમ કરવામાં દોષ નથી એટલે તેમ કરવું. ઉપલક્ષથી તેમાં પાંચ અણુવ્રત આવી ગયા. બ્રહ્મચર્ય