________________
ભક્તિના વીસ દોહરા.
૫૩
ગાથા - ૯
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ
તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. કળિકાળને લીધે પણ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ થઈ પડી છે. કદાચ સત્સંગ દ્વારા ધર્મની સમજણ મળે તો પણ સાધના કરવી એ બહુ દુર્લભ છે. જેવી રીતે ક્ષેત્રનો પ્રભાવ હોય છે એવી રીતે કાળનો પણ પ્રભાવ હોય છે. એટલે આ કાળમાં જે નિમિત્તો મળે છે તે ધર્મથી વિપરીત હોય છે. પરંતુ નિવૃત્તિના સ્થળે પુરુષનો યોગ થાય તો કાળ કંઈ નડી શકે નહીં. નબળા જીવોને કાળ નડે છે. જે બળવાન જીવો છે તેને કાળ નડતો નથી. જેને ધર્મ કરવો જ છે, આત્માનું કલ્યાણ સાધવું જ છે તેને કાળ નડતો નથી. પણ જે જીવો પરિપક્વ થયા નથી, થોડા નબળા છે તે ધર્મ કરવા કદાચ જાય તો તેમને નડતરરૂપ થાય એવો આ કાળ છે. કેમકે આ કાળમાં આત્માનું પતન કરાવે એવા નિમિત્તો ઠેર ઠેર છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૯૮ માં લખ્યું છે,
શાસ્ત્રોને વિશે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે.
અવસર્પિણીકાળનો આ પાંચમો આરો ચાલી રહ્યો છે. એટલે ધીમે ધીમે દરેક ઉત્તમ વસ્તુનો ક્ષય થાય છે અને છઠ્ઠા આરામાં તો સંપૂર્ણ ધર્મનો ક્ષય છે. આગળ કહે છે,
જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જો કે, સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા સત્પરુષોનો જોગ યોગ્ય દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે.
જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપણાને પામે છે એટલે આત્મકલ્યાણ કરવાની ભાવના પણ તેમને પ્રગટ થવી દુર્લભ છે. આત્મકલ્યાણ કરવું એ તો બહુ દુર્લભ છે, પણ આત્મકલ્યાણ કરવાની ભાવના થવી એ પણ દુર્લભ છે. એટલે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ પણ ઓછું થાય છે. ઉપદેશ પણ અસર કરે એવા જીવો આ કાળમાં બહુ ઓછા છે. સાંભળનારા ઘણા છે, પણ