________________
૬૧૭
ત્રણ મંત્રની માળા કરો છો એ પણ વ્યર્થ છે. એનું ફળ શું આવ્યું? આટલા વર્ષોથી એ બધું કર્યું તો હવે ઉપયોગ સ્વરૂપ સન્મુખ વધારે રહેવો જોઈએ, એના બદલે માંડ અડધો કલાક કે કલાકમાં તો તમે ઊંચાનીચા થાઓ છો! સ્વાધ્યાય પૂરો કરવાનો સમય સવા અગિયારનો હોય, પણ હું બાર વાગ્યા સુધી ચલાવું તો છેલ્લે હું અને માઈકવાળા ભાઈ બે જણા જ હોઈએ ! એ આપણી રુચિ ક્યાં છે તે બતાવે છે. જ્યારે ધંધામાં કે દુકાનમાં ઘરાકી જામી હોય ત્યારે ઘરે જમવા તો ના જાય, પણ ટિફિન મંગાવ્યું હોય એ પણ સાંજ સુધી એમ ને એમ પડ્યું રહે! ધંધામાં જીવ અપ્રમત્ત બની જાય છે!
જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય;
ચલો જાય વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોય. રુચિ કેમ નથી થતી? યોગ્યતા નથી. યોગ્યતા કેમ આવે? મહાપુરુષોના સત્સંગમાં, સાંનિધ્યમાં, આશ્રયમાં રહીએ તો. આપણે આશ્રય કોનો કરીએ છીએ ? ઘરવાળાનો, સગાંવહાલાંનો, મિત્રોનો. બહુ બહુ તો વેવાઈનો. હવે એ તને ક્યાં લઈ જશે પ્રભુ! તું તારા ઉપયોગથી તો વિચાર કે એમના સંગમાં રહેવાથી તારો ઉપયોગ શુદ્ધ થશે કે અશુદ્ધ થશે? કેમ કે એ બધા લૌકિક જીવો છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૩૨૨ માં કહ્યું છે, “અમે અને તમે લૌકિક માર્ગે પ્રવર્તશું તો અલૌકિક માર્ગે કોણ પ્રવર્તશે?” આ પંચમકાળ છે, પડતો કાળ છે, ધીઠું હુંડાવસર્પિણી કાળ છે. આવા કાળમાં આત્માની સાચી રુચિ જાગવી, મુક્તિની સાચી ભાવના કરવી અને સમ્યગદર્શનને પ્રાપ્ત કરવાનો દઢ નિર્ણય કરવો, સાચા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજીને એમના આપેલા બોધ દ્વારા, મંત્રસ્મરણ દ્વારા આત્માને ભાવિત કરી પવિત્ર બનાવવો, નિર્મળ બનાવવો. સાંસારિક સંગ-પ્રસંગમાં આત્માનો ઉપયોગ મલિન થઈ જાય છે.
પાંચેય પરમગુરુ સહજાત્મસ્વરૂપ છે, હું પણ સહજાત્મસ્વરૂપ છું. એ અરિહંત અને સિદ્ધ ભગવાન તો અખંડપણે પોતાના સહજાત્મસ્વરૂપના અવલંબને જ છે અને બાકીના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવાન પણ ઘણા અંશે તો આત્માના આશ્રયે છે, પણ વચમાં વચમાં પ્રસાદ અવસ્થામાં ઉપયોગ બહિર્મુખ થઈ જાય છે, એ ન થવા એમની અવિરત સાધના અપ્રમત્તપણે ચાલી રહી છે. એમને પણ એક વખત અખંડપણે સ્વરૂપમાં સ્થિર થઈને અરિહંત-સિદ્ધપદને પ્રાપ્ત કરવું છે. સ્વરૂપમાં સ્થિર થવું એ જ સાધના છે, બાકી જે સાધના છે તે આસ્રવ-બંધની ભૂમિકામાં શુભ ભાવો છે. આ મંત્રના માધ્યમથી સ્વરૂપસ્થ થવાનો, સ્વરૂપ અનુસંધાન કરવાનો પ્રયોગ શીખવાનો છે.