________________
૨૫૪
શું સાધન બાકી રહ્યું? જેમ ઘઉંમાંથી કાંકરા વીણીને કાઢીએ તેમ જ્ઞાનીઓએ આપણને આપણા દોષ બતાવ્યા છે. “અન્યમાં શરીર આવી જાય, કર્મો આવી જાય, વિભાવો આવી જાય અને દુનિયાના બધા ચેતન-અચેતન પદાર્થો પણ આવી જાય. તેને જીવે પોતાના માન્યા અને પોતે સચિદાનંદમય છે એ ભૂલી ગયો. સ્વસંવેદનજ્ઞાન, આત્મજ્ઞાન થાય તો એ અજ્ઞાનનો નાશ થાય. તો એ આત્મજ્ઞાન, સમ્યકજ્ઞાન કેવી રીતે પ્રગટ કરવું? તે આગળ બતાવે છે.
(૩) જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક-લક્નાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. કંદોઈની દુકાને જઈ અને કાપડ માંગીએ તો ના મળે. તેમ અજ્ઞાનીઓ ભલે પંડિતો હોય કે ત્યાગીઓ હોય કે ગમે તેવા સાધકો હોય, પણ એમને સમ્યગદર્શન નથી, જ્ઞાન નથી તો એમની પાસેથી જ્ઞાન મળે નહીં. આ સ્વાભાવિક વસ્તુ છે. આ સમજે છે, છતાં અજ્ઞાનીનો આશ્રય છોડવો જોઈએ એ છોડતો નથી અને જ્ઞાનીનો આશ્રય કરવો જોઈએ એ કરતો નથી. આશ્રય કરવો એટલે આજ્ઞા પ્રમાણે ચાલવું. એમના પગ દબાવવા એ આશ્રય નથી. એમને પૈસા આપવા એ આશ્રય નથી. એમની આજ્ઞા પ્રમાણે ચાલવું એનું નામ આશ્રય છે. એ આશ્રય અનાદિકાળથી આપણે કર્યો નથી એટલે આપણું પરિભ્રમણ ઊભું છે.
સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ – “વીસ દોહરા' અજ્ઞાનીનો આશ્રય છોડે નહીં અને જ્ઞાનીનો આશ્રય કરે નહીં – આ અનંતાનુબંધી કષાયનું મૂળ છે એમ કહે છે. ભલે બહારમાં એ ગમે તેટલા મોટા કે પૂજ્ય હોય ને લાખો એમના ફોલોઅર્સ હોય, પણ જો એ આત્મજ્ઞાની નથી તો એ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્ત નહીં થાય. માટે, તેમનો આશ્રય છોડો અને જે આત્મજ્ઞાની હોય એમનો આશ્રય કરો.
(૪) જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો.
ઇચ્છાએ એટલે આજ્ઞાએ. જેને જ્ઞાન જોઈતું હોય તેણે જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે અને આચાર્ય ભગવંત રચિત શાસ્ત્રો છે એમાં પણ એ જ વાત આવે છે.