________________
૨૯૪
ક્ષમાપના
નવ પદાર્થોની અંદરમાં હેય, શેય અને ઉપાદેયનો વિવેક કરી ભેદવિજ્ઞાન દ્વારા માત્ર પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એમ દઢતા કરી, વારંવાર ઉપયોગને અંતર્મુખ કરી, સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરવામાં આવે, આત્માનું અસ્તિત્વ પોતાના ઉપયોગમાં નજરાય એવી અંતર્મુખતાની સાધના કરવામાં આવે તો એ જીવ અવશ્ય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે, સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી લે, સમ્યક્ચારિત્રને પ્રાપ્ત કરી લે. બાકી કંઈ ઉપાદેય નથી. એટલે હવે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો અને ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો, આનું નામ · વિવેક. તો એટેચમેન્ટ ક્યાં કરવાનું છે ? પોતાના આત્મા સાથે. ડિટેચમેન્ટ ક્યાં કરવાનું છે ? આત્મા સિવાય બધાયની સાથે. હવે આપણું જીવન જોઈ લો કે ક્યાં એટેચમેન્ટ ચાલે છે અને ક્યાં ડિટેચમેન્ટ ચાલે છે ! માત્ર શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે, સાચા પુરુષાર્થથી નિવેડો છે. શાસ્ત્રજ્ઞાન હોય તો શું થઈ ગયું ? નવ નવ પૂર્વ ભણેલા ‘ફેઈલ’ ગયા છે અને અંગૂઠાછાપ પ્રયોજનભૂત જ્ઞાન પ્રાપ્ત કરીને કામ કરી ગયા છે. ‘કેવળી આગળ ગયો પણ રહી ગયો કોરો.’
ગુરુગમ વગર કામ નહીં થાય; ચાહે ત્યાગી હોય કે ચાહે પંડિત હોય કે ચાહે ગમે તે પ્રકારનો ધર્માત્મા હોય. કેમ કે, અનાદિકાળનો માર્ગથી અજાણ છે, અને એક અજાણ બીજા અજાણ્યાને માર્ગ પૂછશે તો એ ગોટે ચડશે. એના માટે આત્મજ્ઞાની નિગ્રંથ ગુરુ જ કામ આવે છે, બીજા કોઈ ગુરુ કામ આવતા નથી. વાળ કાપતાં શીખવું હોય તો વાળંદ કામ આવે, ડૉક્ટર કામ ન આવે. આખા વિશ્વના પદાર્થો નવ તત્ત્વમાં આવી જાય છે. નવ તત્ત્વમાં મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એ દર્શાવ્યું છે. હવે એ પ્રમાણે પ્રયોગ કરે તો કાર્ય થાય. દરેક ક્ષેત્રમાં હેય, જ્ઞેય અને ઉપાદેયનો વિવેક ન આવે તો ગરબડ થઈ જ જવાની.
સાધ્ય શુદ્ધ આત્મા જ છે અને એનું સાધન શુદ્ધોપયોગ છે અને એનો પુરુષાર્થ સ્વરૂપના આશ્રયે છે. આ સાધન-સાધ્યની એકતા કહેવાય. અથવા તો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. વ્યવહારથી ભગવાનનો અને નિશ્ચયથી તમારો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.' આત્મા જ સિદ્ધ છે, આત્મા જ આચાર્ય છે, આત્મા જ ઉપાધ્યાય છે, આત્મા જ સાધુ છે, પાંચેય પદ આત્માના છે અને એ પરમગુરુ પરમાત્મા જેવો જ સહજાત્મસ્વરૂપી આત્મા છે. મારા માટે મારો અંદરમાં બેઠેલો કારણ પરમાત્મા એ ઉપાદેય છે, એ કારણ પરમાત્માના આશ્રયે કાર્ય પરમાત્માપણું પ્રગટ થાય છે. આ અનુપમ તત્ત્વ છે. જેમ તરબૂચમાં લાલ ભાગની કિંમત છે, તેમ નવ તત્ત્વમાં માત્ર પોતાના શુદ્ધ આત્માની મહત્તા છે.