________________
ક્ષમાપના
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?
૨૬૭
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪
સકલ જગતમાં અધમમાં અધમ, પતિતમાં પતિત હું છું. પરમાં ‘હું’ પણું માનવું મોટો દોષ છે. હું કોઈ પરનો નથી, પર કોઈ મારું નથી, હું તો જ્ઞાનમાત્ર સચિદાનંદસ્વરૂપી આત્મા છું. આ દૃઢતા કરવાની છે. બીજી ભૂલોનું નુક્સાન એટલું બધું નથી, પણ આ પરને પોતાનું માનવું, એ ભૂલના નુક્સાનને કારણે અનંતકાળથી આપણે આ ચાર ગતિમાં રખડ્યા અને અનેક દુઃખ ભોગવ્યાં. મૂળ ભૂલ તો અઢાર પાપસ્થાનકો છે, એમાંથી મૂળ પાપ જુઓ તો મિથ્યાત્વ છે. અઢારે પાપમાં મોટામાં મોટું પાપ કોઈ હોય તો મિથ્યાત્વનું પાપ છે. પોતાને ભૂલી જવું એટલે મિથ્યાત્વ. શાસ્ત્રો યાદ રાખ્યા, પણ હું આત્મા છું એ ભૂલી ગયો તો એનું કલ્યાણ ના થાય. નવ પૂર્વ સુધી હજારો આગમોનો અભ્યાસ કર્યો, પણ આત્માને (સ્વને) જાણ્યો નહીં ! હું આત્મા છું અને માત્ર જ્ઞાતા-દૃષ્ટા છું. પરને જાણવું-દેખવું એ વ્યવહાર છે, સ્વને જાણવું-દેખવું એ નિશ્ચય છે. નિશ્ચયથી તો હું પરને જાણતો ય નથી, પર મારા જ્ઞાનમાં ઝળકે છે. જેમ દર્પણમાં પ્રતિબિંબ ઝળકે તેમ પર મારા આત્મામાં પ્રતિબિંબિત થાય છે, ઝળકે છે. કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એ વ્યવહાર છે અને કેવળજ્ઞાની અખંડપણે પોતાના આત્માને જાણે છે એ નિશ્ચય છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન નિર્મળ હોવાના કારણે તેમાં આખું જગત ભૂતભવિષ્ય-વર્તમાન અવસ્થાઓ સહિત યુગપત્ એક સમયમાં ઝળકે છે. છતાં ભગવાન અખંડપણે પોતાને જાણી રહ્યા છે.
એક ભૂલના કારણે અનેક ભૂલોની પરંપરા ઊભી થાય છે. મિથ્યાત્વ મૂળ ભૂલ છે. ગણિતનો દાખલો હોય અને એમાં ભૂલથી તમે બગડાને બદલે ત્રગડો લખી નાખ્યો. તો, હવે તમે જેટલા એના ગુણાકાર કરશો, ભાગાકાર કરશો, બાદબાકી કરશો, સરવાળા કરશો એ બધામાં ભૂલ આવવાની. આ મૂળ ભૂલ બીજભૂત ભૂલ. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ અને જેણે આત્મા ન જાણ્યો તેણે કંઈ ન જાણ્યું. જાણવાનો તો આત્માને છે, જાણનાર પણ આત્મા છે અને જણાય છે પણ આત્મા દ્વારા, બીજાના દ્વારા જણાતો નથી અને જાણવાનું પણ પોતાના માટે છે. બીજાના માટે પોતાને જાણવાનું નથી. આ ષટ્કા૨ક અભેદ છે. હકીકતમાં તમે પરનું કંઈ કરી શકતા નથી. એક તણખલાના બે કટકા પણ તમે કરી શકો એમ નથી પ્રભુ! એક દ્રવ્યની કોઈપણ કિંચિત્માત્ર ક્રિયા પરદ્રવ્ય દ્વારા થઈ શકતી નથી. વસ્તુનું સ્વરૂપ આવું છે.