________________
છ પદનો પત્ર
૪૧૭
રહે ત્યાં સુધી કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એવા પ્રકારનું આયોજન આપણે કરીએ છીએ. તે તો વ્યવહાર ભક્તિ છે, જ્યારે આ તો ૫૨માર્થમાર્ગની ભક્તિ છે.
સદ્ગુરુને તો પ્લેનમાં લેવા જવાનું નથી, ગાડીમાં ફરતા નથી, પણ હ્રદયનો નિર્મળ પ્રેમ અંતરંગમાં હોવો જોઈએ. જુઓ ! સોભાગભાઈ, લઘુરાજસ્વામી જેવી અત્યંત ભક્તિ બીજા કોઈમાં જોવામાં આવી નહીં. જેમ શ્રીરામની સાથે હનુમાનજી હતા. જુઓ ! કેવો પ્રેમ હતો ! આ તો નજર સમક્ષના દાખલા છે. શાસ્ત્રના નથી. પરમકૃપાળુદેવ મુંબઈથી આવવાના હોય ત્યારે લઘુરાજસ્વામી છેક કાવિઠા કે સીમરડા હોય ત્યાંથી વિહાર કરીને આવે અને આણંદ સ્ટેશને લેવા જાય. એ વખતમાં સાધુ અવસ્થામાં હતા. એટલે વિહાર કરીને આણંદ લેવા આવે અને ત્યાંના સ્ટેશન માસ્ટરને પહેલા મળે અને કહેતા કે સાહેબ આ ગાડી આવે છે એને રોકજો, બહુ ઉતાવળ કરીને મોકલતા નહીં. અમારા ગુરુદેવ આવે છે, અમારા ભગવાન આવે છે. માટે ગમે તેમ કરીને તમે અડધો-પોણો કલાક ગાડીને રોકજો. અમારે એમનો બોધ લેવો છે, દર્શન કરવા છે. તમે પણ આવજો. એમ સાહેબને પણ સાથે લેતા જાય.
એકદમ ઊંચી સીડી પર ચડીને જુએ કે ગાડી આવે છે કે નથી આવતી ? હવે આ તો મુનિ છે કે કોણ છે ? તમે વિચાર કરો કે કેટલો પ્રેમ આવ્યો છે સત્પુરુષ ઉપર કે મારા ખરા મોક્ષના દાતા છે ! મને મોક્ષનું દાન દેનારા છે. એમના સાન્નિધ્યમાં, આશ્રયમાં મારા અનંતકાળના જન્મ-જરા-મરણના, આધિ-વ્યાધિ-ઉપાધિના ફેરા ટળી જાય છે. એમના ગુણો પ્રત્યે અંદ૨માં ઘણું આકર્ષણ છે. એમના બોધનું, એમના ઉપકારનું એટલું માહાત્મ્ય આવે છે કે જેમ બાળકને જોતા માતાના સ્તનમાંથી સહેજે દૂધ નીકળી જાય છે તેમ સાચા ભક્તના હૃદયમાંથી સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ ગોખીને કાઢવાનો હોતો નથી અને સહેજે આવે એ જ ભક્તિ સમ્યગ્દર્શનમાં નિમિત્તભૂત થાય છે. ખેંચીને ભક્તિ લવાતી નથી. જ્ઞાન હજી ગોખાય, પણ ભક્તિ, શ્રદ્ધા, સમર્પણતા ગોખવાની ચીજ નથી.
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત હુઆ ન કોઈ; ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોઈ.
અઢી અક્ષર પ્રેમનો એટલે કે સત્પુરુષની ભક્તિનો હોય તે ખરો પંડિત છે. જેને સત્પુરુષની સાચી ભક્તિ નથી એ ક્ષયોપશમના કારણે ગમે તેટલો પંડિત હોય તો પણ જ્ઞાનીઓ તેને પંડિતમાં ગણતા નથી. એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આખી આત્મસિદ્ધિમાં સદ્ગુરુનું માહાત્મ્ય ઠેર ઠેર ગાયું છે. પહેલી જ ગાથામાં કહ્યું કે,