________________
છ પદનો પત્ર
૫૬૩
આવે છે. એ સાથે જે શ્રદ્ધા ગુણની પર્યાય નિર્મળ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દર્શન આ પદ્ધતિથી પ્રગટે છે. પરિણામે પરિણમવાનો પુરુષાર્થ દરેક જીવે આગવો પોતાનો કરવો પડે છે. કોઈને વધારે વાર લાગે છે, તો કોઈને ઓછા સમયમાં થાય છે, કેમ કે કોઈને અંદરમાં સાત કર્મોની સ્થિતિના દળિયા વિશેષ હોય છે, તો એ મિથ્યાત્વ મોહનીય કર્મને તત્ત્વની ભાવના દ્વારા કાપતાં કોઈને વાર લાગે છે, પણ પુરુષાર્થ એના માટે આ જ છે કે તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે. હવે, આખી વાત કોના ઉપર આવી ? પરિણામ ઉપર આવી. એક દ્રવ્યનું પરિણમન બીજું દ્રવ્ય કરી દેવાનું નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર ચાલે છે. સ્વપ્નદશાથી રહિત એટલે ૫૨વસ્તુમાં અને પરભાવની અંદરમાં અહંપણા-મમત્વપણા રહિત પરિણામ થઈ અને જ્ઞાન પરિણામે પરિણમે. તો એ સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. પ્રથમ અંદ૨માં નક્કી થાય કે હું આ છું અને ધીમે ધીમે ઊંડો ઉપયોગ પહોંચતો પહોંચતો છેક સ્વભાવના તળિયા સુધી પહોંચે, છેક પોતાની જ્ઞાયક સત્તા સુધી પહોંચે ત્યારે ‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.’ એનું નામ સમ્યગ્દર્શન છે.
આ પ્રક્રિયા સામાયિકમાં બેસીને, ધ્યાનમાં બેસીને ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ આ પ્રમાણે કરવાનો છે. જો આટલે સુધી આપણું જ્ઞાન પહોંચે, આવા પરિણામે પરિણમી જાય એટલે એ જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે. એનું નામ પરિણામ છે.
ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૦
―――
ભાસવું એટલે વેદનમાં આવવું, અનુભવમાં આવવું, ફીલીંગ થવી, આત્માનો સ્પર્શ થવો, તેનું નામ સમ્યગ્દર્શન છે. આ નિશ્ચય સમ્યગ્દર્શનની વાત કહે છે. આવા પરિણામે પરિણમવાનો પુરુષાર્થ કરો. જો સ્વપ્નદશાની વાત અને પોતાના સ્વરૂપની વાત બે ભિન્ન પાડી દીધી. અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં આ બધાથી સહિત ‘હું’પણું માનતો. હવે મારું સ્વરૂપ અને આ જુદું છે. આત્માના અસંખ્યાત પ્રદેશની અંદ૨માં જે છે તેની અંદરમાં અહંપણું અને આત્માના અસંખ્યાત પ્રદેશની જે કંઈ બહાર છે તેની અંદરમાં પરપણું.
નિજ કો નિજ, પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન.