________________
૩૬૭
ક્ષમાપના
સુધી જીવ અપરાધી છે. નિરંતર આસ્રવ-બંધમાં વર્તી રહ્યો છે. એકાદ બે ભવ સારા મળે, પછી મોટાભાગે તો એકેન્દ્રિયમાં જતો રહે છે. જોકે, ચારેગતિમાં દુ:ખ છે, પણ નરક, નિગોદમાં મહાદુ:ખ છે. જ્યારે જીવને એમ લાગે કે હવે મારે અપરાધથી રહિત થવું છે, આના કારણે મેં ખૂબ દુ:ખ સહન કર્યા, ખૂબ ભટક્યો, આથડ્યો, રઝળ્યો ત્યારે એ સદ્ગુરુના શરણે જાય, ભગવાનના શરણે જાય, ભગવાનના કહેલાં ધર્મના શરણે જાય. એ સિવાય બીજા કોઈનું શરણ આત્માને લાભકારી થતું નથી. તેનાથી તો અપરાધો વધતા જાય છે, ઘટતાં નથી. સૂક્ષ્મ છે એટલે ખ્યાલ નથી આવતો, પણ સંસારી જીવો કે પદાર્થોના આશ્રય તમે કરો તો અપરાધ
વધવાના.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?
1
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - ‘વીસ દોહરા' જ્યાં સુધી પોતાના દોષ દેખાય નહીં અને દોષોનો નાશ ન થાય ત્યાં સુધી જીવ અપરાધી છે. પત્રાંક - ૧૦૫ ‘મહાવીરના બોધને પાત્ર કોણ ?’ માં લખ્યું છે કે નિજ દોષોને જોઈ તેને છેદવા ભણી દૃષ્ટિ દેનાર. એકાંતમાં બેસીને પોતાના દોષોનું નિરીક્ષણ કરો. પોતાને ખ્યાલ તો છે, પણ સ્થૂળ ઉપયોગમાં પકડતો નથી, પણ શાંતિથી બેસો તો દેખાશે કે, હું અહીં અભિમાન વધારે કરું છું, ક્રોધ વધારે કરું છું, માયા-કપટ વધારે કરું છું, લોભ કરું છું, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં અનુરક્ત છું, આરંભ-પરિગ્રહમાં ગળાડૂબ છે, હવે મારે જરૂર નથી તો પણ કેમ આટલી કમાવાની પ્રવૃત્તિ કરું છું ? બધા દોષો દેખાશે. કરવાનું કામ તો એકમાત્ર આત્માનું હિત છે અને એના બદલે બીજા અનેક કાર્યોમાં પોતાનો સમય વેડફી નાખે છે. આ મોટો દોષ છે.
બીજાના સૂક્ષ્મ દોષો દેખાય અને પોતાના સ્થૂળ દોષો દેખાતા નથી. આ જીવ કેવો વિચિત્ર છે ! બીજાના દોષો વધારે જોશો તો તમારામાં એ દોષો વધારે પ્રમાણમાં દાખલ થશે. બીજાના ગુણો જોશો તો ગુણાનુરાગના કારણે એ ગુણો અંશે અંશે તમારા આત્મામાં પ્રગટ થશે. અત્યાર સુધી આપણે પ્રાયે બધાના દોષો જ જોયા છે, એના કારણે જે આપણા આત્મિક ગુણોનો વિકાસ થવો જોઈએ એ નથી થયો. આ જગતમાં કયો જીવ દોષ વગરનો છે ? દોષ વગરનો કોઈ જીવ હોય તો બતાવો. કોઈ નહીં દેખાય. નિર્દોષ તો કેવળ ભગવાન છે, કે જેઓ બધાય દોષોથી રહિત છે. એ સિવાય દરેક જીવોમાં નાનામોટા, ઓછાવત્તા પણ દોષો રહેલાં છે. આપણને બીજાના દોષો નથી નડતા, પણ આપણને નડે છે આપણા દોષો.