________________
૧૧
શું સાધન બાકી રહ્યું ? નિશ્ચય સંયમ તો ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા રહેવીતે છે. બહારમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંયમ કરવો, મનનો સંયમ કરવો, મહાવ્રતોને અંગીકાર કરવા એ વ્યહાર સંયમ છે. “આર્તરૌદ્ર પરિત્યાગ:' આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરવો. પરિત્યાગ એટલે ચારે બાજુથી ત્યાગ કરવો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થવા દેવા નહીં, થાય તો તરત તેને નિવૃત્ત કરવાં. કોઈપણ પ્રકારનું ચિંતવન તમે તત્ત્વથી વિરુદ્ધ કર્યું તો અંદરમાં અશાંતિ થવાની. માટે દુનિયાના જે જીવો જે રીતે વર્તતા હોય તેને વર્તવા દો. તમે કોઈના ય માટે એમ ના કહો કે આણે આમ કેમ કર્યું ને આણે આમ કેમ ન કર્યું કે આણે આમ કરવું જોઈએ અને આનું આમ થાય તો સારું. આ જીવ આવો છે ને આ જીવ આવી છે. અનંતાનંત જીવ છે, કેટલાની આલોચના કરશો? સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨ કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું? કોણે શું કરવું? કોણે શું ના કરવું? એ કાંઈ આપણને ભગવાને બધાનો વહીવટ સોંપ્યો નથી. જેને જેમ ઉદય આવે તેમ કરશે. તમારી પાસે આવે તો સાચું તત્ત્વ તેને સમજાવો, ના આવે તો જય ભગવાન. બીજાના બનાવોના નિમિત્તે તમારી અંતરંગ શાંતિને હણો નહીં અને તે ત્યારે હણાય છે કે જયારે તમે એ બાહ્ય બનાવોમાં ઉપયોગ દ્વારા જોડાઓ છો. માટે એમાં જોડાઓ નહીં. સાક્ષીભાવે, જ્ઞાતા-દષ્ટાભાવે જુઓ. પરમકૃપાળુદેવનું આ એક વાક્ય યાદ રાખો કે, જગત ને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૬૫ બસ, મફતમાં જોવાની કળા શીખો અને કોઈની પાસે કાંઈ અપેક્ષા ના રાખો. તમારો ઉદય હશે તો જે મળવાનું હશે તે મળશે જ. પુણ્ય હશે તો ગમે ત્યાંથી મળી જશે. શાલિભદ્રનો ઉદય હતો તો સ્વર્ગમાંથી દરરોજ નવ્વાણું પેટીઓ આવતી. ઉદય હતો તો આવે અને ન ઉદય હોય તો તમારું ધન દાટેલું હશે એ પણ જતું રહે છે. વળી, એ રહે કે જાય એનાથી તમને લાભ કે નુક્સાન છે નહીં. બહારના પદાર્થના સંયોગ-વિયોગમાં તમને લાભ પણ નથી કે નુક્સાન પણ નથી, માટે એના નિમિત્તે હર્ષ-શોક કરવો નહીં. જે થાય એને થવા દો, જાય તો જવા દો, રહે તો રહેવા દો, ના થાય તો ના થવા દો, બન્યું તો બનવા દો, ના બન્યું તો ના બનવા દો. હર હાલતની અંદરમાં સાક્ષીભાવે રહેતા શીખો. પુણ્યના ઉદયમાં