________________
૪૪૧
છ પદનો પત્ર
છે, પણ વેદન વગરનો જીવ એક સમય પણ હોતો નથી. કાં તો આત્માના આનંદને અનુભવે છે, કાં તો શાતા કે અશાતાને અનુભવે છે, પણ અનુભવ વગર જીવ એક સમય પણ રહી શકતો નથી.
અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તીર્થંકર ભગવાન કહે છે કે અમે તે આત્માને જાણ્યો છે, જોયો છે અને અનુભવ્યો છે. આ ત્રણેય આત્માના ગુણ છે. જાણવું, દેખવું અને અનુભવવું અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો, આવું અમે અનુભવથી કહીએ છીએ અને અમે પ્રગટ તે જ આત્મા છીએ. એમ શ્રી તીર્થંકર કહે છે. આપણે પણ જાણવા, જોવા અને અનુભવવા દ્વારા તેને કહી શકીએ છીએ, તેને અનુભવી શકીએ છીએ. તે આત્મા ‘સમતા’ નામના લક્ષણે યુક્ત છે. સમતા એટલે રાગ-દ્વેષથી રહિત થવું એ અર્થ અહીં નથી, પણ પ્રદેશની અપેક્ષાએ છે.
સમતા ઃ- વર્તમાન સમયે જે અસંખ્યાત પ્રદેશાત્મક ચૈતન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત,, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. દરેક દ્રવ્ય ઓછા વધતા પ્રદેશની અંદરમાં રહેલું છે અને કોઈપણ દ્રવ્ય પોતાના પ્રદેશની બહાર રહેલું નથી. કોઈપણ દ્રવ્યના જે ગુણ છે તે તેના પ્રદેશને આશ્રિત રહેલા છે, પ્રદેશથી બહાર કંઈ નથી: આપણું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર અનંત ગુણો એ આપણા અસંખ્યાત પ્રદેશમાં જ છે. અસંખ્યાત પ્રદેશથી બહાર આપણું કંઈ છે નહીં. આપણા બધાય ઝઘડા-ટંટા છે એ બહારના માટે જ ચાલે છે. આત્મા માટે ચાલતા હોત તો ક્યારના કેવળજ્ઞાન પામી ગયા હોત. પણ, જે ઝઘડા-ટંટા આપણે કરીએ છીએ એ આપણા અસંખ્યાત પ્રદેશની બહારની વસ્તુ છે. એમાં અહંપણું અને મમત્વપણું થાય છે. તે અનંત ભવનું મૂળ છે.
કોઈપણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. નિગોદમાં ગયો ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. બેઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પંચેન્દ્રિયમાં ગયો ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. સ્વયંભૂમરણ સમુદ્રનો બે હજાર યોજન અવગાહનાવાળો રાધવમચ્છ થયો, ત્યારે પણ અસંખ્યાત પ્રદેશ હતા. કેવળજ્ઞાની પરમાત્માએ સમુદ્ધાતની ક્રિયા કરીને આખા લોકમાં એમના પ્રદેશોને ફેલાવ્યા ત્યારે પણ એ અસંખ્યાત પ્રદેશાત્મક હતા અને સિદ્ધલોકમાં ગયા ત્યારે પણ એમના અસંખ્ય પ્રદેશ હતા. એકેન્દ્રિયથી માંડી સિદ્ધ અવસ્થા