________________
૪૩૮
છ પદનો પત્ર ઘટપટ આદિ પદાર્થો અમુક ગુણ હોવાને લીધે છે તેમ સ્વ-પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા જેનો પ્રત્યક્ષ ગુણ છે, એવો આત્મા હોવાનું પ્રમાણ છે. ઘટપટ આદિના ગુણોથી ઘટપટ ઓળખાય છે. ઘટ એટલે ઘડો અને પટ એટલે વસ્ત્ર. ઘડો ઘડાના ગુણથી ઓળખાય છે, વસ્ત્ર વસ્ત્રના ગુણથી ઓળખાય છે. કોઈપણ વસ્તુ એના ગુણ દ્વારા ઓળખાય છે. એમ આત્મા પણ એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, એક પદાર્થ છે. તો એ પણ તેના ગુણો દ્વારા ઓળખાય છે. આપણે પોતે જ આત્મા છીએ, છતાંય આપણે આપણા ગુણોને જાણવા માટે ચોપડી વાંચવી પડે એ આશ્ચર્ય છે. આપણા ઘરમાં આપણે રોજ રહેતા હોઈએ અને તેને જાણવા માટે મેપ લાવવો પડે કે પલંગ કયા રૂમમાં છે? તિજોરી કયા રૂમમાં છે? જરા મને મેપ બતાવો. તો એને કેવો કહેવો? એમ સ્વ-પર પ્રકાશક ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ આત્માને વિષે છે, છતાંય જગતના મોટા ભાગના જીવો “આત્મા છું' એવો સ્વીકાર કરતા નથી. એ તીવ્ર મોહનીય કર્મનો ઉદય બતાવે છે.
આત્મા છે” એ વાતનો એના ગુણ દ્વારા સ્વીકાર કરી શકાય. એનો મુખ્ય ગુણ તે સ્વપર પ્રકાશક ચૈતન્ય શક્તિ છે. જેમ સળગતો દીવો છે એ સ્વ-પર પ્રકાશક છે. એ “સ્વ” ને પણ પ્રકાશે છે અને “પર” ને પણ પ્રકાશે છે. તેમ જ્ઞાનની અપેક્ષાએ આત્મા સ્વ-પર પ્રકાશક છે. આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં પ્રકાશકતાનો ગુણ નથી. પ્રકાશકતા એટલે જાણપણાનો ગુણ, સમજણપણાનો ગુણ. આત્મા કોઈ ઈન્દ્રિયો દ્વારા અનુભવમાં આવે એવી વસ્તુ નથી. મન દ્વારા પણ પકડાય એવી વસ્તુ નથી. વાણી દ્વારા કહી શકાય એવી પણ વસ્તુ નથી, છતાંય વસ્તુ છે એ હકીકત છે. ઈન્દ્રિયો દ્વારા સ્વ-પર પ્રકાશક શક્તિને આપણે પકડવા માંગીએ તો નથી પકડાતી, કેમ કે આત્મા ઈન્દ્રિયાતીત છે. એવી રીતે મનાતીત છે, એવી રીતે દેહાતીત છે અને એવી જ રીતે વચનાતીત છે. દેહ દ્વારા, વચન દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા એ સ્વ-પર પ્રકાશક ચૈતન્યસત્તાને આપણે પકડી શકતા નથી. એ માત્ર સ્વસંવેદન દ્વારા જ પકડાય છે.
ઘણા જીવો ધ્યાનમાં બેસતા હોય છે. તો અંદરમાં અમુક પ્રકારની સુગંધ આવે, અમુક પ્રકારના પ્રકાશ દેખાય, અમુક પ્રકારના અવાજો સંભળાય. એ બધા ઈન્દ્રિયો દ્વારા પકડાય છે. ઈન્દ્રિયો દ્વારા એનો વ્યવહાર ચાલે છે; એટલે હજી ત્યાં આત્મા આવ્યો નથી. ભલે છેલ્લી સત્તા તો આત્માની છે. નિર્વિકલ્પપણે સ્વસંવેદનતામાં આવે ત્યારે તેને પકડ્યો કે જાણ્યો કહેવાય. પહેલાં ઈન્દ્રિયો કે મન દ્વારા પકડે છે, તેમાં પકડનારી સત્તા આત્મા છે, પણ હજી પરોક્ષપણે છે, પ્રત્યક્ષપણે નથી. કેમ કે, મતિ-શ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યા છે, પ્રત્યક્ષ કહ્યા નથી. અવધિજ્ઞાન એ પ્રત્યક્ષ છે, પણ રૂપી પદાર્થોને જાણવાવાળું છે. જયારે ભાવશ્રુતજ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) જેના