________________
શું સાધન બાકી રહ્યું ?
૨૪૭
આપણા ભવ બગડી ગયા. આપણે તો દુઃખનું બીજ વાવી દીધું. એટલે કોઈ જીવ પ્રત્યે ઈર્ષા નહીં, દ્વેષ નહીં, વેર નહીં, એનું અહિત થાય એવી ભાવના નહીં. ભલે એ આપણાથી ગમે તેટલા વિપરીત વર્તતા હોય, આપણને ગમે તેટલું નુક્સાન પહોંચાડતા હોય.
‘સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.' જો સુખી થવું હોય તો બધાયનું સુખ ઇચ્છો અને બધાયનું તમારી અનુકૂળતા પ્રમાણે હિત કરો – વ્યવહારથી. અપકારી ઉપર પણ ઉપકાર કરતા શીખો. જો મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આ જરૂરી છે. કોઈની ઈર્ષા કરવાથી તમારામાં ગુણ પ્રગટ નથી થઈ જવાના. ભલે કોઈ દારૂડિયો છે, જુગારી છે, પણ તે આત્મા તો છે. અત્યારે એ જીવને એવા નિમિત્ત મળ્યા ને એવો ઉદય છે અને દશા નીચી છે એટલે એને આધીન થઈને વર્તી રહ્યો છે, પણ એની અંદરમાં પણ પરમાત્મા થવાની શક્તિ તો પડેલી છે. એ જો સવળો થાય તો તમારા કરતા પહેલા મોક્ષે જતો રહે એવી શક્તિવાળો છે. માટે, આપણા આત્માનું કલ્યાણ ક૨વા માટે આપણું કોઈપણ પ્રકારનું અહિત થાય એવો ભાવ કરવો નહીં – આ સાધના છે. દરેક સત્પુરુષોનો બોધ આટલો જ છે. તમારા આત્માનું હિત ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય, બ્રહ્મચર્ય વગેરે ભાવથી છે. કોઈપણ આત્માનું હિત એ ભાવથી છે. તો, એ ભાવોની વૃદ્ધિ થાય એનું નામ ભાવોની વિશુદ્ધિ. એ ભાવોની વિશુદ્ધિથી તમારો ઉપયોગ સહેજે સહેજે તમારા આત્મામાં સ્થિર થઈ, આત્મજ્ઞાન અને ચારિત્રની દશા ક્રમે ક્રમે આગળ વધતી જશે.
બહુ વાંચવાની પણ જરૂર નથી, બહુ દોડવાની પણ જરૂર નથી, બહારમાં કંઈ બહુ કરવાની પણ જરૂર નથી. આ એક ભાવની શુદ્ધિ તમને બધી સાધનાની સિદ્ધિ કરાવી દેશે. આ પ્રેક્ટિકલ સાધના છે. પૂજા, સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ એ બધી અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ થિયોરીકલ છે અને ભાવોને બગડવા ના દેવા અને ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ પ્રેક્ટિકલ સાધના છે. પછી ઘરમાં હોય કે બહારમાં હોય, દિવસ હોય કે રાત હોય, સામે ગમે તે હોય આપણા પ્રત્યેથી એક જ પ્રકારનું બેટિંગ છે – સમભાવ. મહાપુરુષોના જીવનચરિત્ર વાંચશો તો જોવા મળશે કે એમના જીવનચરિત્રમાં એમણે કોઈ દિવસ કોઈની નિંદા નથી કરી, કોઈના પ્રત્યે દ્વેષ નથી કર્યો, કોઈના પ્રત્યે વૈરબુદ્ધિ નથી રાખી, કોઈની ઈર્ષા નથી કરી, ત્યારે એ મહાપુરુષ થયા, નહીં તો એ મહાપુરુષ થાય કેવી રીતે ? આપણે બીજા સામે જોવાનું નહીં. આપણે તો આત્મા સામે જોઈને મોક્ષમાર્ગમાં આગળ વધવું છે તો આત્માને જેનાથી નુક્સાન