________________
૩૧૭
પુણ્યનો ઉદય હોય, લાભનો ઉદય હોય કે અલાભનો ઉદય હોય, જીવન હોય કે મરણ હોય, દરેક સમયમાં સમતાભાવથી જ આત્માનું રક્ષણ છે. ક્ષમા એ જ આત્માનો સ્વભાવ છે. જો જીવ સમતા ચૂક્યો તો એ મોક્ષમાર્ગ ચૂકી ગયો એટલે આત્માની સાચી શાંતિ ચૂકી ગયો. બોલરો ગમે તેટલા પ્રકારના બોલ ફેંકે, થ્રો ફેંકે, ડાયરેક્ટ ફેંકે, ફાસ્ટ ફેંકે, ટર્નિંગ ફેંકે, જે ફેંકવા હોય તે ફેંકે; બેટ્સમેનનું કાર્ય એક જ કે બોલ રત્નત્રયની દાંડીને (સ્ટમ્પને) અડવો ના જોઈએ. એવી રીતે સામેથી ગમે તે ઉપસર્ગ આવે, પરિષહ આવે, ગમે તેવા બોલ આવે – એનાથી આપણી અંદરની રત્નત્રયની દાંડી ઉડવી જોઈએ નહીં, બસ ! એ સાધના છે.
ક્ષમાપના
તમે કેટલો અભ્યાસ કર્યો એ અગત્યનો નથી, તમે કેટલો બહારમાં ત્યાગ કર્યો એ મોક્ષમાર્ગમાં બહુ અગત્યનું નથી, કેટલી ભક્તિ કરી એ બહુ અગત્યનું નથી, કેટલી માળાઓ ફેરવી, કેટલી સામાયિક કરી એ અગત્યનું નથી, પરંતુ કેટલો સ્વભાવનો આશ્રય કર્યો એ અગત્યનું છે. બધાય ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે. ‘કષાય એ જ હિંસા છે અને ક્ષમા એ જ અહિંસા છે.’ પાંચેય પાપો કષાય કરવાથી ઉત્પન્ન થાય છે. એક હિંસામાં બાકીના બધાય પાપોનો સમાવેશ થઈ જાય છે. હિંસા કરી એટલે અસત્ય આવી ગયું, ચોરી આવી ગઈ, કુશીલ આવી ગયું, પરિગ્રહ-મૂર્છા આવી ગઈ, પાંચેય પાપ આવી ગયા. આચાર્ય શ્રી ઉમાસ્વામીએ કહ્યું છે,
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । – શ્રી તત્ત્વાર્થસૂત્ર – અધ્યાય – ૭ – સૂત્ર – ૧૩
—
-
પ્રમાદના યોગથી કોઈનો ઘાત કરવો – સ્વનો કે પરનો, દ્રવ્યથી કે ભાવથી તે હિંસા છે. પ્રમાદ તે જ હિંસા છે અને પ્રમાદ તો છઠ્ઠા ગુણસ્થાનક સુધી ચાલે છે. અત્યારે ભલે હિંસા, પાપ નથી કરતા, ક્રોધ નથી કરતા; છતાં ક્રોધનો આસ્રવ ચાલે છે, કેમ કે તમે તેનો નિરોધ નથી કર્યો. આપણો ઉપયોગ સ્થૂળ છે એટલે પકડાતું નથી. આ સૂક્ષ્મભાવ છે એટલે આપણને એમ લાગે કે હું ક્યાં ક્રોધ કરું છું ? હું ક્યાં હિંસા કરું છું ? હું ક્યાં કોઈ પાપ કરું છું ? પણ બધું ચાલુ જ છે પ્રભુ ! તું આજે જમ્યો નહીં તો તને ઉપવાસનું ફળ મળે કે ના મળે ? પચ્ચક્ખાણ નથી લીધા તો ? જુઓ ! તમારી વૃત્તિ છૂટી છે, ગમે ત્યારે તમને કાંઈક તકલીફ થઈ જાય તો ખાઈ લેશો, રાત્રે પણ ખાઈ લેશો, એટલે તમને ઉપવાસનું ફળ મળે નહીં. એમ મહાવ્રત કે અણુવ્રત ધાર્યા ના હોય તો એ પાપોથી નિવૃત્તિ થતી નથી, નિવર્તન થતું નથી, એટલે અવિરતિ અવસ્થામાં એ દોષ ચાલુ જ છે. બહારમાં હિંસા કરતો નથી છતાં તમને હિંસાના પરિણામ ચાલ્યા જ કરે
કે