________________
૬૩
ભક્તિના વીસ દોહરા
દેહને રાજા બનાવી દીધો છે અને આત્માને નોકર બનાવી દીધો છે ! મોટાભાગના જીવોની આ સ્થિતિ છે. સાધકોની પણ આ સ્થિતિ છે કે દેહ રાજા ને આત્મા નોકર. આત્માને રાજા બનાવવાનો હોય ને દેહને નોકર બનાવવાનો હોય, એના બદલે ઊંધું ચાલે છે. દેહેન્દ્રિય માને નહીં... આત્મા સુખી છે કે દુઃખી તે વિચારવાનો પણ વખત જીવને નથી. ટાઈમ મળે તો વિચારે ને? એ દુઃખમાં એટલો બધો ગળાડૂબ છે કે એને ખ્યાલ જ નથી કે આત્માનું સુખ શેમાં છે? અને આત્માની શાંતિ શેમાં છે?
શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીધ્ર જવાપ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭ આત્મા સુખી છે કે દુઃખી તેનો તો વિચાર કરો. આપણને તો સુખી લાગે છે. ગમે તે વ્યક્તિ મળે અને એને પૂછીએ કે કેમછો ભાઈ? તો કહે કે સુખી છું – શાંતિ છે બધી. છોકરાઓ બધા લાઈનસર છે, ઘરવાળા કમાય છે, નોકરચાકરો કામ કરે છે, દેહની તંદુરસ્તી પણ સારી છે, અને હમણાં બધી બહારની જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ ય સરસ ચાલે છે, સુખી છીએ !! એને પૂછીએ કે આત્માનું સુખ છે? તો કહે ના, એ તો આજે જ વાત સાંભળી ! આત્મા શબ્દ જ આજે સાંભળ્યો. આત્મા શું છે ને આ સુખ શું વળી ? એ તમે બધા ભેદ પાડો છો એટલે તમને બધા વિકલ્પો થાય છે. અમને તો કોઈ વિકલ્પ જ નથી ! નિર્વિકલ્પ જ છીએ !!
જીવ એટલો બધો વ્યસ્ત છે કે આત્મા સુખી છે કે દુઃખી તે વિચારવાનો પણ વખત નથી. એમ કહે છે મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એનું એને કંઈ જ ભાન નથી. જગતના જીવોની આવી સ્થિતિ છે ! મૃત્યુ પછી આ જીવ કઈ ગતિમાં જશે? ક્યાં ખોવાઈ જશે? ચૌદ રાજલોકમાં ક્યાં ફેંકાઈ જશે? અનાદિકાળથી અનંતકાળ તો નિગોદમાં કાઢ્યો ! ઓ હો હો...! ભૂલી ગયો બધું ! હજી ફરી ત્યાં જવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેને ત્યાં જ ફાવે એવું છે. હવે એ સિદ્ધલોકમાં જાય તો તેને ફાવે એવુંય નથી. વળી, એના બધા મિત્રો ત્યાં જ છે. એનું અનંતકાળનું આખું સર્કલ ત્યાં જ છે. એટલે તેને ત્યાં જ ફાવે એવું છે. શું ગતિ થશે એ તો વિચારો પ્રભુ! કાલે આ ભવ છોડીને જવાનું થશે. ક્યાં સુધી રહેશો? જેમ તમે મોરબીથી અહીં આવ્યા છો તો ક્યાં સુધી રહેશો? ગમે તેટલા ફોન કરો તો બે દહાડા વધારે રજા આપે, પણ પછી શું? આખરે મોરબી જવું પડે છે. એમ કદાચ કોઈ સારા કર્મ બાંધ્યા હોય તો એકાદો ભવ સુધરે, પણ અંતે ચોર્યાશી માંહી.