________________
ક્ષમાપના
૨૭૬ ગયા. રત્નત્રયધારી મુનિ અને ઋદ્ધિ-સિદ્ધિ સંપન્ન હતા. થોડીવાર થઈને પાછા શ્રેણિક મહારાજા પૂછે છે. તો જણાવે છે કે અત્યારે દેહ છૂટે તો દેવલોકમાં જાય. પછી પ્રસન્નચંદ્રને થયું કે હું મુનિ છું અને આ કયા ભાવમાં આવી ગયો ! જાપ કરતાં કરતાં ધ્યાન લાગ્યું, શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થઈ ગયું. હજુ ત્યાં ને ત્યાં જ ઊભા છે. આ બધી અંતર્મુહૂર્તમાં રમત થઈ છે! દેવો એમનું કેવળજ્ઞાન ઉજવવા માટે દેવલોકમાંથી આવવા માંડ્યા. તો શ્રેણિક મહારાજા પૂછે છે કે આ બધા દેવો આપને મૂકી આમ ક્યાં જાય છે? તો કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું છે. તો, આ બધી ભાવોની રમત છે.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દીન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ધર્મને ઉત્તમ ભાવપૂર્વક કરો અને પાપ કરવું પડે તો તેમાં તીવ્રતા ન લાવો. એટલે આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા - આ ચાર સંજ્ઞાઓને વશ ન થાઓ. એમાં પણ પરિગ્રહ સંજ્ઞામાં તો ખાસ ધ્યાન રાખો.
એક પળ વ્યર્થ ખોવી એ એક ભવ હારી જવા તુલ્ય છે. ભગવાને ગૌતમસ્વામીને બોધ આપ્યો કે “હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં.” ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી, બહારમાં પણ છ ખંડનું રાજ્ય હતું. ચક્રવર્તી હતા તો પણ તેમનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. બસ, એવી રીતે મમત્વભાવ આપણે ઉતારીએ તો આત્મજ્ઞાન થાય. દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પરવસ્તુમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન કર્યું છે અને તેથી જ જન્મ-મરણ થયા છે. આત્મા સિવાય કોઈપણ પદાર્થમાં મમત્વ કર્યું છે એ ખોટું છે. આ મમતા દુઃખદાયક છે. અનાદિકાળથી કોઈપણ પરદ્રવ્યને પોતાનું માન્યું અને પોતે પોતાને ભૂલી ગયો એ મોટો ગુનો છે.
પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.