________________
ક્ષમાપના
૩૩૩
ઓહોહો ! ધીઠું હુંડાવસર્પિણી કાળના પણ પાંચમા આરા અનંતા આવી ગયા, આ કાંઈ પહેલો આવ્યો એવું નથી. છ આરાના પરિભ્રમણમાં આપણે ભટક્યા છીએ. સંસાર આવો ને આવો સદાય રહેવાનો, એટલે સંસારનો ક્યારેય અંત નથી આવવાનો. બધાય જીવો મોક્ષે જાય અને સંસાર ખલાસ થઈ જાય એવું ક્યારેય બનવાનું નથી. એટલે તમે ચિંતા ના કરશો. આપણને એમ થાય કે આ બધાય મોક્ષની સાધના કરીને જતા રહેશે તો પછી આ સંસારનું શું થશે !! પોતાનો વિચાર નથી કરતો કે મારું શું થશે? પણ આ બધાનું શું થશે એવું થાય છે. “મિયાં ક્યું દૂબલે હુએ? તો કે સારે ગાંવ કી ફિકર.' સંસાર અનાદિકાળ પહેલાં ય આવો ને આવો હતો અને અનંતકાળ જશે પછી પણ આવો ને આવો જ રહેશે. તો, એમાંથી જે થોડા જીવો સમજ્યા હશે તે નીકળશે. બાકી, આ સંસારમાં અનંતકાળ જશે તો પણ અનંતાનંત જીવો રહેશે. નિગોદમાં ઠાંસીઠાંસીને જીવો ભર્યા છે. છ મહિના ને આઠ સમયમાં છસો ને આઠ જીવ મોક્ષે જાય. અનંતાનંતમાંથી ૬૦૮ કંઈ નથી. તમને એક મણની ભૂખ લાગી હોય અને કોઈ એક કણ આપે તો શું તમારી ભૂખ જાય? મણની ભૂખ હોય તે કણથી જાય નહીં. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે, અનંતકાળથી સંસાર હોવા છતાં બધા જીવ તેમાં અનંતકાળ રહે એવું નથી. અનાદિ સાંત પણ છે. જીવ જાગે અને યથાર્થ પુરુષાર્થ કરે તો મોક્ષને પામે.
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસો ને સાઠ, ગોવાળ ટોળે મળ્યા, વડો તે ગોવાળિયો કોણ થાશે?
–ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા “ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા.” એટલે ૩૬૦ દિવસ. એમાં ‘વડો ગોવાળિયો કોણ થાશે?” એમાં કયા દિવસે તને આત્મજ્ઞાન થશે? એ વડો ગોવાળિયો. અહો ! નરસિંહ મહેતાએ તત્ત્વ તો ઠાંસીઠાંસીને ભર્યું છે. અનંતકાળનો સંસાર છતાં બધા જીવો તેમાં અનંતકાળ રહે એવું નથી. ધાણી શકાતી હોય, એમાં બધી શેકાઈ જાય એવું નથી. જે દાણો ઊડી જાય તો એ બચી જાય. તેમ અનંત જીવોમાંથી કોઈ જીવ મોક્ષે ચાલ્યો જાય. એવા જીવ માટે સંસાર અનાદિ સાંત છે. સમકિત નથી થયું ત્યાં સુધી જીવ અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છે. ભગવાન પણ તને જન્મ-મરણના દુઃખોથી છોડાવી શકે નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ તારા ઘરવાળા પણ નહીં. અરે ! સામાન્ય દુ:ખમાંથી પણ કોણ છોડાવશે ? પેટમાં દુઃખતું હોય તો બધા તને દવા આપે, તારી સેવા કરે, પણ દુ:ખાવો કોણ લે? એ તો તારે એકલાને ભોગવવો પડે.