________________
૬૪૪
દુર્લભ એવો મનુષ્યદેહ
લાખ યોનિમાં દુર્લભમાં દુર્લભ અવતાર હોય તો તે મનુષ્યનો છે. એ અનંતભવમાં કોઈકવાર જ મળે છે.
પરમકૃપાળુદેવે ‘બાર ભાવના’માં લખ્યું છે કે અનંતકાળમાં જિનેન્દ્રનો ધર્મ અને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. તે પણ અનંતવાર મળ્યો તો પણ જે મોહનીયની ગાંઠ તોડવાની હતી એ તોડવા પ્રત્યે દષ્ટિ દીધી નહીં, એની અગત્યતા પરમાર્થ દૃષ્ટિથી સમજ્યો નહીં. ધર્મના નામે બાહ્ય પ્રવૃત્તિઓ – શુભ પ્રવૃત્તિઓમાં અટકી ગયો અને સ્વભાવનો આશ્રય ચૂકી ગયો. પરમકૃપાળુદેવે કહ્યું છે,
સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. – શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૯-૨
-
આથી, જ્યારે સમ્યગ્દર્શન થાય, ગ્રંથિભેદ થાય ત્યારે માનવભવ સફળ થાય. ભલે કેવળજ્ઞાન પછી થશે, પણ સમ્યગ્દર્શન થતાં એની શરૂઆત થઈ ગઈ. એના માટે તત્ત્વનો અભ્યાસ, વૈરાગ્યનું બળ, કષાયની મંદતા, દેવ-ગુરુ-ધર્મની આશ્રયભક્તિ વગેરે અનેક નિમિત્ત કારણો છે, તેમાં જીવને સાચી રુચિ અને આશ્રય થાય તો જ તે કાર્યકારી બને છે. રુચિ છે એ પણ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી રુચિ થવી તે પણ વ્યવહાર સમ્યગ્દર્શનનો એક પ્રકાર છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે.
— શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૭૧