________________
૧૯૦
શું સાધન બાકી રહ્યું ?
દરખતસે ફળ ગિર પડ્યા, બૂઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય; બલિહારી ગુરુદેવકી, જિન ગોવિંદ દિયો બતાય.
મહાપુરુષોએ ઠેર ઠેર ગુરુનું અને ગુરુગમનું માહાત્મ્ય બતાવ્યું છે. સુગુરુગમ એટલે સદ્ગુરુગમ. સદ્ગુરુના બોધમાં શ્રદ્ધા રાખી, શાંતિ અને ધીરજ રાખવી. ઉદય તો કોઈ ગુરુ આઘોપાછો કોઈનો કરી શકે નહીં, ભગવાન નથી કરી શક્યા ને ગુરુના ગુરુ પણ નથી કરી શક્યા, તો બીજા કોઈ કરી દે એવું બનવાનું નથી. એને સમભાવે કેમ ભોગવવો એ કળા ગુરુ શિખવાડે છે. આ ગુરુગમ છે બસ. ગુરુગમ એટલે સમભાવની ચાવી. જો ગુરુગમપૂર્વક વર્તીએ અને સમભાવ ના આવે તો સમજવું કે આપણે ખરેખર ગુરુગમપૂર્વક વર્ત્યા નથી. દરેક ધર્મની અંદરમાં ગુરુનું માહાત્મ્ય બતાવ્યું છે, વીતરાગ દર્શનમાં તો ખૂબ બતાવ્યું છે. સાચો ઉપાય સદ્ગુરુ જ બતાવી શકે, કુગુરુ કોઈ સાચો ઉપાય બતાવી શકશે નહીં. જે આત્મજ્ઞાની નથી એવા ગુરુઓ કોઈપણ દુઃખમાંથી મુક્ત થવાનો સાચો ઉપાય બતાવી શકે નહીં; કેમ કે, એમને માર્ગ પ્રાપ્ત થયો નથી. એક આંધળો બીજા આંધળાને રસ્તો બતાવી શકે નહીં; ભલે તે ગમે તેટલો ત્યાગી હોય કે પંડિત હોય કે ગમે તે હોય. દરેક જ્ઞાનીનો પડકાર છે કે તમે અમારી હદમાં ઘૂસી શકો એમ નથી. દરેક કૂતરાઓ એમની હદમાં જ બેસવાના. આગળ જાય તો પછી બીજો એવો ને એવો હશે, પણ ત્યાંથી એની હદ પૂરી થઈ એટલે તે પાછો ફરશે, પછી આગળ નહીં જાય અને હાથી છે એને કોઈ હદ નથી. એ તો બધાય મહોલ્લાઓમાંથી નીકળતો જાય છે, ઊભી શેરીએથી પણ નીકળે છે. બસ ધીરજ રાખો, શાંતિ રાખો અને જ્યારે કંઈપણ આકુળતા આવે ત્યારે યથાર્થ તત્ત્વને હાજર કરો. સાચા તત્ત્વને હાજર કરો કે આમ આવ્યું એનું કારણ શું ? અને આને કેમ વગર નુક્સાને પૂરું કરવું ? બસ આટલું તત્ત્વ તમે લગાડશો તો તમને એક જ પ્રેરણા મળશે કે હવે શાંતિ ને સમતા રાખ, ધીરજ રાખ. એનું નામ જ સામાયિક છે, એનું નામ જ સાધના છે.
સમતા સર્વ ભૂતેષુ સંયમે શુભ ભાવના ।
આર્ત્ત - રૌદ્ર પરિત્યાગઃ તદ્ધિ સામાયિક વ્રતમ્ II
સામાયિકની વ્યાખ્યા કરી છે, ‘સમતા સર્વ ભૂતેષુ.' પ્રાણીમાત્રમાં સમતાભાવ. આ મારા જેવા જ આત્માઓ છે. ‘સંયમે શુભભાવના' માં આગળ વધવાની શુભ ભાવના કરો ને