________________
૧૮૮
શું સાધન બાકી રહ્યું ? એ બધાંય પ્રકારને ખપાવવાનો પ્રકાર એક જ છે સમતા, શાંતિ, ધીરજ અને અનુકૂળતા. માટે આકુળ-વ્યાકુળ થવાથી કર્મ હટવાનું નથી અને નિરાકુળ રહેશો તો કર્મનો ઉદય વધવાનો કે બળવાન થવાનો નથી. તે સમજી મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. પરમકૃપાળુદેવે કહ્યું છે,
અધીરજથી ખેદ કર્તવ્ય નથી._ ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. પરમાર્થમાર્ગ બતાવીને પરિષહને કેમ સહન કરવો એ વાત બતાવી છે. અત્ર અમે સંક્ષેપમાં બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. કયા બે પરિષહ? અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ.
મુમુક્ષુ આમાં ફક્ત અજ્ઞાનનું લખ્યું છે કે દર્શનનું પણ સાથે સાથે આવી ગયું છે? સાહેબ : બેય આવી ગયું. બન્ને સાથે જ આવે છે, ને સાથે જ જાય છે. મુમુક્ષુ: પણ ઉપાય એક જ છે? સાહેબ : હા, આ પરિષદનું સ્વરૂપ તત્ત્વથી જાણો, ઓળખો.
આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્યરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, મૂંઝવણ અજ્ઞાન અને મોહના કારણે થઈ છે. કોઈ બળવાન ઉપસર્ગ કે પરષિહ કે પ્રતિકૂળતા આવે ત્યારે જીવને અજ્ઞાનના કારણે મૂંઝવણ આવી જાય છે. જ્ઞાન મળશે, બોધ મળશે એટલે તે મૂંઝવણ નિવૃત્ત થશે, પણ એ બોધને તમે સમ્યક્ પ્રકારે ધારણ કરશો અને હાઉ ટુ એપ્લાય ઈન યોર લાઈફ, એ પ્રમાણે કરશો તો એ મૂંઝવણ નિવૃત્ત થશે. આપણે ડગી જઈએ છીએ. યથાઉદય જાણી, જેવો ઉદય છે એવું બનવાનું છે એમ જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થકરે કહ્યું છે.
જયાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. ઉપાય જ નથી, શું કરશો? ખૂબ વરસાદ પડ્યો, ચાલુ જ છે. લો, હવે તમે કંટાળી ગયા, પણ હવે તમારી પાસે શું ઉપાય છે? હવે બહાર ના નીકળો ને ઘરમાં રહો, બસ બીજું શું કરવાનું? બેઠા બેઠા સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, ધ્યાન કરો. એકની એક વસ્તુ એકને સારી લાગતી હોય, બીજાને ખરાબ લાગતી હોય. કુંભારે નિંભાડા પકાવ્યા હશે તો વરસાદ એને ખરાબ લાગશે. તેને માટી ધોવાઈ જવાનો ડર રહેશે અને ખેડૂત રાજી થાય કે હાશ, મારે બાર મહિનાના રોટલા નીકળશે. સારું થયું કે મુશળધાર વરસાદ પડ્યો. તો વરસાદને શું કરવું?