________________
૧૮૭
શું સાધન બાકી રહ્યું ? કરવાની વાત નથી અહીં. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. ઉદય છે તો ક્રમે ક્રમે નિવૃત્તિ થશે. અજ્ઞાનનો આધાર જતો રહ્યો, એટલે અજ્ઞાન પાંગળું થઈ ગયું, તો હવે એ છૂટ્યા વગર રહેવાનું નથી. કેમ કે, નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, વ્યવહાર ઉપાય જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે અને નિશ્ચય ઉપાય પોતાના સ્વરૂપનો આશ્રય કરવો તે છે. જીવને બધા કર્મોથી અને સંસારના પરિભ્રમણથી નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતે શી રીતે રહી શકે? અત્યાર સુધી તો આધાર હતો, હવે નિરાધાર થઈ ગયું. જ્ઞાનીનો બોધ મળ્યો એટલે હવે અજ્ઞાનને પોષણ મળવાનું બંધ થઈ ગયું. એક માત્રપૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. પૂર્વનું બાંધેલું કર્મ છે એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી રહેવાનું. અને એ પણ ક્રમે ક્રમે નીકળતું જાય છે. એ ય ક્યાં સુધી રહેવાનું? દસ મણ અનાજની કોઠી ભરી છે એ તમે રોજ ખાવા માંડો છો તો એક દિવસ ખાલી થવાની જ છે, ક્યાં સુધી રહેવાની છે? પૂર્વકર્મનો ઉદય છે એટલે ધીરજ રાખવી. '
તમે જશો ટ્રેનમાં, તો કરમ આવશે પ્લેનમાં. તમે એમ ના માનશો કે હવે મારે વાંધો નથી. કર્મના ઉદય ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે પ્રકારે આવી શકે છે. તે વખતે એલર્ટ રહો. એવા ઉદયમાં સમતા, શાંતિ, ધીરજ રાખો અને તત્ત્વની સાચી વિચારણા, ચિંતન રાખો તો તમને બળ મળશે, નહીંતર નહીં મળે. તત્ત્વથી વિપરીત તમારી જો માન્યતા, શ્રદ્ધાન અને આચરણ હશે તો તમને આકુળતા-વ્યાકુળતા વધશે, ઘટશે નહીં. એટલે કેવી રીતે અજ્ઞાન નિરાધાર થયું તે કહે છે. એક માત્ર પૂર્વે કર્મનો યોગ છે તેના કારણે હજુ થોડું ચાલશે. ત્યાં તેને કોઈ આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્યરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃતિ પ્રત્યે પ્રયોજન છે, જેને જ્ઞાનીનો યોગ થયો છે, સત્સંગ મળ્યો અને જેનો અંદરમાં પૂર્વકર્મ નિવૃત્ત થાય એ પ્રયોજન છે, હેતુ છે, આશય છે તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. એ પણ ધીમે ધીમે ટળતું જાય છે. કર્મ, ઉદય, અજ્ઞાન બધું ટળતું જાય છે. એમ વિચારીને અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું. આપણી કલ્પનાથી વિરુદ્ધ કંઈક બને છે ત્યારે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ. કોઈ કહે કે ઓહો! વિદ્યાસાગરજી મહારાજ કેવા સુખી કે સંસારની કોઈ માથાકૂટ જ નહીં. અરે બાપુ! એય લઈને આવ્યા છે પૂર્વનું. તું બાંધ તો બીજા ભવમાં તું પણ એવું લઈને આવીશ. તો તને પણ મળશે, કેમ નહીં મળે? હવે જે બાંધ્યું છે એ સમતાભાવે કેમ ખપાવવું એ શીખ. દરેકને એકસરખું બાંધેલું નથી હોતું ને સરખું ઉદયમાં પણ નથી આવતું. દરેકને અલગ-અલગ પ્રકાર હોય છે.