________________
૨૪૮
શું સાધન બાકી રહ્યું ? થાય એ ભાવોને અટકાવવા. કેમકે, નુક્સાન પણ પોતાના ભાવોથી છે અને લાભ પણ પોતાના ભાવોથી છે.
બંધાવાના કામીને ભગવાન છોડતો નથી અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. તમને દુનિયાનો કોઈ જીવ બાંધી શકે તેમ નથી કે કોઈ પદાર્થ બાંધી શકે તેમ નથી. તમારા મોહ અને રાગ-દ્વેષમય પરિણામ જ તમને બંધનમાં નાખે છે અને તમારા સમ્યગદર્શનજ્ઞાન-ચારિત્રના ભાવ જ તમને મુક્તિ અપાવે છે. બહારના પદાર્થોથી તમને મુક્તિ કે બંધ નથી. તમારા ભાવના આધારે તમને મુક્તિ કે બંધ છે, હિત કે અહિત છે. તમારું સર્વસ્વ તમારું સ્વ છે. બસ, તો સ્વનો આશ્રય કરશો તો સ્વાધીન થશો અને સ્વનો આશ્રય મૂકશો તો પરાધીનતા અને દુઃખ ભોગવશો. ભલે દશા નથી તો આત્મહિત સિવાયનું કોઈપણ કાર્ય કરવું પડે, પણ અંદરમાં હેય માનીને કરશો તો તમને વધારે નુક્સાન નહીં થાય. ઓછા નુક્સાનમાં તમારું કામ પતી જશે. ચાલતા ચાલતા તમારો પગ લપસી ગયો, હવે તમે પડવાના એ નક્કી, પણ જેટલો હાથનો ટેકો રાખીને પડશો એટલું ઓછું વાગશે. હાથનો ટેકો મળી જાય તો તમને કોઈ જગ્યાએ ફ્રેક્ટર નહીં થાય. જેના ભાવ બગડ્યા તેના ભવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા તેના ભવ સુધર્યા.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.
આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. વારંવાર આ ભાવના ભાવો. આટલું પકડી રાખો તો તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. ચોવીસ કલાક how to apply in our life? તો જીવન કેવી રીતે જીવવું એની કળા તમે શીખી જશો. એક જ કળા છે કે કોઈપણ નિમિત્ત હોય, બનાવ હોય, એમાં મારે મારા ભાવ બગાડવા નહીં. ભાવોની શુદ્ધિ કર્યે રાખવી. બસ, આટલું તમે પકડી લો તો પરમકૃપાળુદેવ તરફથી ગુરુપૂનમનું નઝરાણું, ભેટશું તમને મળી ગયું અને તમારા ઉદય વગર તમને કોઈ કંઈ કરી શકે તેમ નથી.
જિતને તારે ગગનમેં, ઉતને શત્રુ હોય; પર કૃપા હોય આત્મદેવકી, તો બાલ ન બાંકા હોય.