________________
ક્ષમાપના
૩૨૭
જ્ઞાનીનો એટલે જ્ઞાનસ્વભાવી પોતાના આત્માનો દ્રોહ. અનાદિકાળથી આપણી આ ભૂલ ચાલી આવે છે. અનેક પ્રકારની સાધના કરી, છતાં આ ભૂલ ટળી નથી. પરિભ્રમણ અને દુઃખનું મૂળ કારણ પોતાની આ ભૂલ છે. તો સૌથી પહેલાં આ મૂળ ભૂલ કાઢવાની છે, બાકીની ભૂલ એના સમયે નીકળી જશે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૨ બે પ્રકારના મોહનીયમાં દર્શન મોહનીય પહેલું અને ચારિત્ર મોહનીય પછી. તો, આપણને હજી “હું ભૂલ્યો એવું લાગતું નથી. આપણો આ આખો મનુષ્યભવ એળે ગયો, એ હજી પણ દેખાતું નથી. આપણને એમ થાય છે કે હું આટલા વર્ષોથી સાધના કરું છું, આટલી સેવા કરું છું, આટલી પૂજા કરું છું, આટલી ભક્તિ કરું છું, આટલા તપ કરું છું, આટલા ત્યાગ કરું છું, આટલી ધર્મની ક્રિયાઓ કરું છું, હું ક્યાં આત્માને ભૂલી ગયો છું? પ્રભુ ! એ બધી સાધના તે બહિર્મુખતાપૂર્વક કરી છે, અંતર્મુખતાપૂર્વક યથાર્થ થઈ નથી. થઈ હોય તો તેનું પરિણામ આવવું જોઈએ - આત્માની શાંતિ, વિભાવનો ત્યાગ અને સ્વરૂપનું સ્વસંવેદન. કોઈ ગામ જવું હોય અને તમે ખૂબ ચાલ્યા, પણ એની વચ્ચેના સ્ટેજ ના આવ્યા હોય તો અટકી જવું. જેટલા તમે ઊંધા માર્ગે ચાલશો એટલા મૂળ મંઝિલથી દૂર જશો.
પહેલામાં પહેલી ઓળખાણ આપણે પોતાના સ્વરૂપની કરવાની છે, પણ અત્યાર સુધી આપણે તે ઓઘસંજ્ઞાએ કરી છે, શાસ્ત્રોના આધારે કરી છે, કોઈ જ્ઞાનીઓનો બોધ સાંભળીને પણ કરી છે, યુક્તિથી પણ કરી છે; પણ અનુભૂતિપૂર્વક કરી નથી. આત્માની ઓળખાણ થાય તો આત્માના અનંતગુણોની ઓળખાણ થાય. તો, એના અનંતગુણોનું માહાભ્ય આવ્યા વગર રહે નહીં. દુનિયાના પદાર્થોના કે કાર્યોના માહાભ્ય અંદરમાંથી છૂટ્યા વગર રહે નહીં. આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો, તેથી સંસારમાં આથડ્યો, અજ્ઞાનને લીધે જન્મ-મરણ કર્યા. એક ભૂલ અનેક ભૂલોનું કારણ થાય છે. આ મૂળ ભૂલ છે. ગણિતના દાખલામાં એક જગ્યાએ ભૂલ થાય તો આખા દાખલાના અંદરમાં જે કાંઈ બાદબાકી, સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરો એ બધાયમાં ભૂલો આવવાની. એ જ રીતે મિથ્યાત્વ સહિતની કોઈપણ પ્રકારની સાધનામાં ભૂલો રહેવાની અને એના કારણે સંસારમાં હું અથડાયો, કૂટાયો. નદીના પાણીમાં પથરાઓ હોય છે એ પાણીના વહેણમાં અથડાય છે, કૂટાય છે અને ગોળ, ચોરસ, લંબગોળ