________________
ક્ષમાપના.
૨૭૮ ને કે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષ લહો.” થોડું તો જુઓ! સંસારના સુખની અંદરમાં તમે ગળાડૂબ પણ સુખ પ્રાપ્ત કરતાં આત્માના અતીન્દ્રિય આનંદનું સુખ ટળે છે.
થોડું લક્ષમાં લેશો તોય બાહ્ય સુખ પ્રત્યે તમને અંદરમાં જે લોલુપતા છે એ ઘટી જશે. જ્ઞાનીના વચન લક્ષમાં લઈએ અને સંસારના સુખોની લોલુપતા ઘટે નહીં, સંસારના પદાર્થો પ્રત્યેનો મોહ અને આસક્તિ છૂટે નહીં તો તેનો અર્થ એ થયો કે એને લક્ષમાં નથી લીધાં. લક્ષમાં લીધા હોય તો કામ થાય. બધાયની વાત લક્ષમાં લે છે, એક જ્ઞાનીની વાત જીવ લક્ષમાં નથી લેતો. કેમકે, મિથ્યાત્વના ઉદયના કારણે તેને અરુચિકર લાગે છે. હજામની દુકાનમાં વાળ કપાવવા બેઠા અને કહે કે, નીચું જુઓ, તો આ વાત લક્ષમાં લો કે ના લો? જીવે બધા સગાસંબંધીઓ, અજ્ઞાનીઓની વાતો લક્ષમાં લીધી છે. આ જીવે એક વીતરાગી દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મની વાતને લક્ષમાં નથી લીધી. અનાદિકાળથી આ ભૂલ થઈ છે. સાધુ થયો તો પણ આ જ ભૂલ હતી.
સમ્યગદર્શનની વાત લક્ષમાં ના લીધી અને બધી ધર્મની ક્રિયાઓ કરી - વ્રત કર્યા, તપ કર્યા, જપ કર્યા, ભક્તિ કરી, શાસ્ત્રજ્ઞાન કર્યું, સામાયિકો કરી, માળા ફેરવી, બધુંય કર્યું પણ આત્માનો લક્ષ રાખવાનું કહ્યું હતું એ લક્ષ એણે રાખ્યો નહીં. લક્ષ વગરનું બાણ છે એ નિષ્ફળ જાય એમ લક્ષ વગરની સાધના છે એ પણ નિષ્ફળ જાય. મનુષ્યદેહ દુર્લભ છે, તેની
એક ઘડી પણ અમૂલ્ય છે. આ સમય આપણો ખૂબ કિંમતી છે. પરમકૃપાળુદેવે તો ત્યાં સુધી લખ્યું છે કે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ તેના કરતાં મનુષ્યભવનો એક સમય વધારે મૂલ્યવાન છે. પણ ક્યારે? એને આત્મહિતમાં લગાડે તો! નહીં તો ફૂટી કોડી બદામનો પણ નથી.
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૬૯૨