________________
૫૫૦
છ પદનો પત્ર તો હવે આગળ કહે છે કે “સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે.' સમીપમુક્તિગામી જીવ એટલે જે નજીકના ભવિષ્યમાં બુઝવાનો છે અને મોક્ષ જવાનો છે. આવા જીવો હળુકર્મી હોય. એવા હળુકર્મી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. એક થોડો વિચાર કરે, સહજ વિચાર થાય તો એને સમગ્ર સપ્રમાણતા ખ્યાલ આવે કે જ્ઞાની કહે છે એ જ મોક્ષમાર્ગ છે અને વસ્તુનું સ્વરૂપ આમ જ છે. એમ તેને અંદરમાં તરત બેસી જાય. જેની અંદરમાં નિર્ણાયક સ્થિતિ નથી, સપ્રમાણતા અંદરમાં સિદ્ધ થઈ નથી તે જીવને હજી વાર છે, એની કાળલબ્ધિ હજુ પાકી નથી.
કાળલબ્ધિ લઈ પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; તે જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘનમત અંબ.
– શ્રીમાન્ આનંદઘનજી કૃત અજિતનાથજિન સ્તવન કાળલબ્ધિ પરિપક્વ થઈ છે એ સમીપ મુક્તિગામી જીવ છે. થોડા ભવમાં મોક્ષે જવાનો હોય તો જ એને આ ભવમાં આ વાત સપ્રમાણપણે બેસે. સપ્રમાણતા એટલે તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન થવું. તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન થવું તે સમ્યગદર્શન પ્રાપ્ત થવાનું એક ચિત્ર છે. એ સમીપમુક્તિગામી જીવને જ થાય, નહીં તો આત્મા છે એમ કહે તો એ કૂટસ્થ થઈ જાય. કાં તો નિત્યપણું સ્વીકારે, કાં તો ક્ષણિકપણું સ્વીકારે, પણ આત્મા નિત્યાનિત્ય છે એવું ના સ્વીકારે. આત્માને સ્વીકારે તો કર્મના આસ્રવ-બંધ અને સંવર-નિર્જરાનું કારણ સ્વીકારે નહીં. એ નવતત્ત્વમાં એક ખાનામાં ભૂલ આવી એટલે બધાયમાં ગરબડ-ગોટાળા આવવાના. તો સમીપમુક્તિગામી જીવન જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ તત્ત્વો જેમ છે તેમ બેસે. “જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા એનું નામ સપ્રમાણતા છે. આવી સપ્રમાણતા આવવી, એ ક્યારે બને? જ્યારે જીવની યોગ્યતા હોય, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થયો હોય. પરમકૃપાળુદેવ પત્રાંક – ૭૭૧ માં જણાવે છે,
ભગવત તીર્થકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે.