________________
૫૭૦
છ પદનો પત્ર અને પેલો આનંદનો ઝરો પણ અંદરમાં એમને વર્તે છે. એ ઝરો બંધ પડી જાય તો સમ્યક્ત્વ વમી જાય. વમી ગયું હોય તો વાત પતી ગઈ. તો પછી બધુંય ગયું.
મુમુક્ષુઃ ૪૧ પ્રકૃતિના બંધનું શું થાય? સાહેબ: બધું ગયું. વમી ગયા પછી તો બધુંય ગયું.
એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ – અત્યંત પ્રત્યક્ષ – અપરોક્ષ તત્ત્વ એમને કેટલું ઠાંસી-ઠાંસીને ભર્યું છે! ખરેખર, સૂક્ષ્મ ઉપયોગથી જ્યારે તે અંદરમાં પકડાય, ત્યારે એમના જ્ઞાનાતિશયનું માહાભ્ય આવે છે. ઓહોહો ! જ્ઞાનીઓનો કંઈ જ્ઞાનાતિશય છે! એમને વાણીની કે લેખનની કાંઈ લબ્ધિ પ્રગટ થઈ છે!
સર્વવિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. આ દેહ પણ એક અપેક્ષાએ વિભાવ પર્યાય છે અને અંદરમાં શુભાશુભભાવ છે, એ પણ વિભાવ પર્યાય છે. એમાં અજ્ઞાની જીવને અધ્યાસ એટલે ભ્રાંતિથી એકતાપણું થયું છે કે આ તે હું અથવા આ ભાવ તે મારા ભાવ. હવે એ ભ્રાંતિ જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી સમ્યગદર્શન થઈ શકતું નથી. ભ્રાંતિ પહેલા જવી જોઈએ.
એક કાળો દોરો અંધારામાં પડ્યો છે અને આપણને નાગની ભ્રાંતિ થઈ કે આ કાળો નાગ છે. એટલે ભ્રાંતિના કારણે આપણે આગળ ખસતા નથી. એમાં કોઈ ભાઈએ બેટરી દ્વારા પ્રકાશ કર્યો તો ભ્રાંતિ દૂર થઈ. એમ જ્ઞાની પુરુષોને અંદરમાં જે પરની સાથે એકત્વપણું હતું, તે તૂટી ગયું, ગ્રંથિભેદ થઈ ગયો. એની ભ્રાંતિ નાબૂદ થઈ ગઈ. જેને ગ્રંથિભેદ થયો નથી અને ભ્રાંતિ ઊભી છે એને બધી વિભાવ પર્યાયોમાં એકતાબુદ્ધિ થાય છે અને એના કારણે મરવાનો ભય લાગે છે, અકસ્માતનો ભય લાગે છે, આજીવિકાનો ભય લાગે છે. લોકનો ભય, પરલોકનો ભય એવા સાતે પ્રકારના ભય એને લાગે છે એનું મૂળ કારણ શું છે? ભ્રાંતિ છે. તો ભ્રાંતિથી વિભાવપર્યાયમાં એકતા થઈ છે. તે જ્ઞાનથી દૂર થાય છે. સમ્યગદર્શન થવાથી એ ભ્રાંતિ તૂટે છે. વિભાવપર્યાયમાં જે એકતાબુદ્ધિ થઈ છે એ ભ્રાંતિ છે, પણ હકીકતથી એકતાપણું નથી. માટે જ્ઞાની પુરુષોનો અનુભવથી કરેલો નિર્ણય પહેલાં આપણે સ્વીકારવો કે આ દેહને હું મારો માનું છું અથવા હું મારી જાતને પુરુષ કે સ્ત્રી માનું છું કે બીજા સ્વરૂપે માનું છું. એ બધો મારો અધ્યાત છે. અધ્યાસથી આમાં એકતાબુદ્ધિ થઈ છે. હકીકતમાં હું એવો નથી.