________________
૨૨૨
શું સાધન બાકી રહ્યું ?
અહોહો ! કેટલું કહી દીધું આટલામાં તો ! હજારો શાસ્ત્રોનો સાર આપી દીધો છે. પરમકૃપાળુદેવે ‘યમનિયમ’ માં કહ્યું છે કે,
રસ દેવ નિરંજન કો પિવહી.
તે આત્મા રસરૂપ છે. આત્માના અતીન્દ્રિય આનંદનો રસ સમયે સમયે પ્રવહી રહ્યો છે. જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ - આ બધા રસ અંદ૨માંથી પ્રવહી રહ્યા છે. સમયે સમયે એનો પ્રવાહ ચાલુ છે. નિરંજનદેવ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ. આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ કરનારા એવા કોઈક વિરલા જીવો હોય છે. નિરંજનદેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ પામીને જીવ અજર અમર થઈ જાય છે. બસ, જેની આત્માની દ્રષ્ટિ થઈ, જેને આત્માનો અનુભવ થયો, તે બીજી માના પેટે અવતાર લેતા નથી. અજર, અમર અવિનાશી થઈ જાય છે. એના જન્મ, જરા મરણના ફેરા ટળી જાય છે. જે રત્નત્રયની અભેદ સાધના કરે છે તે અમર બની જાય છે.
સમ્યગ્દર્શન કહે છે કે મને લેતા પહેલા વિચાર કરજો. મને લીધા પછી તમારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તમને મોક્ષે પહોંચાડવા પડશે. એવી મારી દૃઢ પ્રતિજ્ઞા છે. સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - ‘અપૂર્વ અવસર’
એકવાર મોક્ષ થઈ ગયો, તે હવે ફરીને જન્મે નહીં. જે બીજ શેકાઈ ગયું તેને તમે ગમે તેટલું વાવો, ખાતર નાંખો, પાણી આપો, ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો પણ હવે તેમાંથી વૃક્ષ ઊભું થાય નહીં; તેમ જેના અંદરમાં સંસારનું બીજ, મિથ્યાત્વ શેકાઈ ગયું, દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય કર્મ શેકાઈ ગયું અને જેને અનંત જ્ઞાન, અનંત આનંદ તથા કેવળજ્ઞાન પ્રગટ થયું, તેને હવે ફરીને સંસારમાં આવવાનું રહે નહીં.
નિરંજનદેવ એટલે શુદ્ધ સ્વરૂપી આત્મા છે કે જે દેવ-ગુરુને પામીને અજર-અમર થાય છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરીને રહે છે. પછી અનંતકાળ સુધી આ આત્માના આનંદની અનુભૂતિ તેને રહ્યા કરે છે. ભગવાન ચોવીસ કલાક આત્માના અતીન્દ્રિય આનંદમાં છે. આપણા જેવા આનંદમાં નહીં, અતીન્દ્રિય આનંદમાં. આત્મા સચિત્તઆનંદમય છે. સત્ કહીએ શાશ્વત, ચિત્ત કહીએ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન, દર્શન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આત્મા શાશ્વત જ્ઞાન, દર્શન અને આનંદ સ્વરૂપ છે.