________________
૨૯૩
એવી રીતે સંવર, નિર્જરા અને મોક્ષ એ પણ ઉપાદેય નથી, હેય છે. કેમ કે, એ ત્રણેય પર્યાયો છે. સંવર, નિર્જરા અને મોક્ષ પણ આત્માની શુદ્ધ પર્યાય છે. તો પર્યાય ઉપાદેય કે હેય? તો નવ તત્ત્વમાં ઉપાદેય શું આવ્યું ? એક માત્ર પોતાનો શુદ્ધ આત્મા. હવે જે ઉપાદેય છે એનો આશ્રય તમે રોજ કેટલો કરો છો અને હેયવાળા પદાર્થોનો આશ્રય કેટલો થાય છે એ જોઈ લો. આ તો ‘બિલ્લી આવે તબ ઊડ જાના' એના જેવું છે ! રોજ બોલ્યા કરીએ, પણ ઉપાદેયનો આશ્રય કરીએ ત્યારે હેયનો સહેજે ત્યાગ થઈ જાય છે. નિસરણીમાં ઉપરના પગથિયે પગ મૂકીએ તો નીચેનું પગથિયું છૂટી જાય છે, છોડવું પડતું નથી. નવ તત્ત્વ કહો કે છ પદ કહો, બન્ને એક જ વાત છે. પરમકૃપાળુદેવે આપણને છ પદમાં નવ તત્ત્વને સંક્ષેપમાં સમજાવીને આપ્યા છે, ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાન ભાવથી કર્મનો કર્તા અને ભોક્તા છે, જ્ઞાનભાવથી પોતાના જ્ઞાન પરિણામ ને આનંદનો કર્તા-ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.’ એક જ વસ્તુ છે અને ગુરુગમપૂર્વક જ્યારે સમજાય ત્યારે હેય પ્રત્યેનું તમારું જે વજન છે તે ઓછું થઈ જશે.
ક્ષમાપના
જ્ઞાનીને રાગ થાય છે, દ્વેષ થાય છે, પણ દર્શનમોહકૃત નહીં, ચારિત્રમોહકૃત. એટલે એ ચારિત્રની શિથિલતા તો છે જ, સાથે સાથે મિથ્યાત્વની પણ શિથિલતા રહેલી છે. આ નવ પદાર્થોની અંદરમાં આખું વિશ્વ આવી ગયું. વિશ્વ એટલે છ દ્રવ્યનો સમૂહ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ - આ તો સ્વભાવપરિણામી છે એટલે એને બાજુમાં રાખી દઈએ છીએ. જીવની સંખ્યા કેટલી ? અનંતા જીવ. પરમાણુની સંખ્યા કેટલી ? જીવ કરતાં પણ પરમાણુ અનંતાનંત છે. પરમાણુ હેય કે ઉપાદેય ? હેય છે. અનંતા જીવોમાં તમારા સિવાયના બીજા આત્મા હેય કે ઉપાદેય ? બીજા આત્મા હેય છે. તો ઉપાદેયમાં શું આવ્યું ? માત્ર પોતાનો શુદ્ધ આત્મા. આ આખા વિશ્વનો નિર્ણય થઈ ગયો. પાંચ મણની ખીચડી રાંધવા મૂકી હોય અને બે-ચાર દાણા પરથી ખીચડીનું માપ નીકળે છે તેમ નવ તત્ત્વ પરથી આખા વિશ્વનું માપ નીકળી જાય છે.
‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’
બસ ! સર્વને જાણવાની પાછળ આત્માને ભૂલી ના જાઓ.
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૫૫
-