________________
ક્ષમાપના
399
એકલો, સોલ પ્રોપરાઈટર કન્સલ્ટ છે, નો પાર્ટનરશીપ કન્સલ્ટ. કોઈ તમને છોડાવી શકે નહીં. સમયે સમયે જે પરિણામ થાય છે, એને અનુરૂપ બંધ પડે છે. એક સમય એવો નથી કે જે સમયે અજ્ઞાની જીવને બંધ ના પડતો હોય. અજ્ઞાની જીવ એક સમય માટે પણ અબંધ અવસ્થામાં હોતો નથી.
મોટાભાગના જીવોને આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા છે, આ બધી પાપ સંજ્ઞાઓ છે. મોટાભાગના જીવો એને જ આધીન હોય છે. દેખાતું નથી, પણ આ પાપનું મીટર ઘણું ચાલે છે. માટે સત્સંગની જરૂર છે. સત્સંગથી સાચો વિવેક આવે છે. હેય, શેય, ઉપાદેયનો વિવેક આવે છે અને ખ્યાલ આવે છે કે ‘શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે કોણ? ક્યાંથી છે આપ ? એનો માંગો શીઘ્ર જવાપ.' શું કરવાથી હું સુખી થઉં ? અત્યારે હું જે કરું છું તેનાથી સુખી થાઉં કે હું આત્માની આરાધના કરીને રત્નત્રયના અભેદ પરિણામ પ્રગટ કરીને નિર્વિકલ્પ સમાધિ લઉં તો સુખી થાઉં ? નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ છે તે ચક્રવર્તી કે ઈન્દ્રને પણ નથી, બીજી વાત તો જવા દો ! તમે ગમે તેટલું કર્યું, પણ કુટુંબવાળા, પૈસા કે મિલકત કેટલો સમય તમારા સંયોગમાં રહેવાના ?
એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭
અને એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ વધારવાનો પ્રયત્ન અજ્ઞાનીઓ કરે છે, અસંયમીઓ કરે છે. તો ઘણા ભવ નિષ્ફળ ગયા, પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. પશ્ચાત્તાપમાં પાપોને ધોવાની શક્તિ છે ને કર્મોને પણ ધોવાની શક્તિ છે. સાચો પશ્ચાત્તાપ સાચી સ્વરૂપદૃષ્ટિ કરાવે છે. બોલી તો જઈએ છીએ કે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું, પણ તે વખતે તેનું ભાવભાસન થવું જોઈએ. જો એવો ભાવ ભાસે તો ફરી પશ્ચાત્તાપ ન થાય એવા ભાવો કરે. પશ્ચાત્તાપ થાય એવા ભાવો કે કાર્યો કરે નહિ. ભૂલ થઈ હોય તેની માફી માંગે તો પોતાનું હિત થાય અને બીજાને પણ અસર થાય છે. ભૂલ થાય એ સામાન્ય દોષ છે, પણ ભૂલને સુધારે નહીં અને ભૂલને વધાર્યા કરે તો મોટો દોષ છે. સાધુઓને જે કાંઈ દોષો લાગે છે તો ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે છે. તો દોષો ધોવાઈ જાય છે. માટે માફી માંગો. માફી સાચી માંગી ત્યારે કહેવાય કે ફરી ભૂલ ના કરે. નહીં તો તમે કોઈને લાફો મારતાં જાવ ને ‘સોરી’ કહેતા જાવ તેના જેવું થાય.